News of Sunday, 12th July 2026
સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ માફિયાઓ પર પોલીસનો આકરો પ્રહાર: ૧૩.૨૫ લાખની ખનીજ ચોરી કરનાર ભૂમાફિયાની ધરપકડ
ચોરવીરા ગામની સરકારી જમીનમાં કૂવાઓ ખોદીને ફાયરકલે અને કાર્બોસેલ જેવી કિંમતી ખનીજોની થતી હતી બેફામ લૂંટ: SOG પોલીસે રેડ પાડીને મુખ્ય સૂત્રધારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વકરી રહેલી ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત સાયલા પંથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ની ટીમે ચોરવીરા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર ખનનના મોટા રેકેટનો પર્દાફાશ કરી એક મુખ્ય ખનીજ ચોરને દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાયલા તાલુકાના ચોરવીરા ગામની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાની પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે તપાસનો દોર તેજ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, ખેંગાર જેમાભાઈ પનારા નામના શખ્સે સરકારી જમીનમાં આવેલા બે કૂવાઓનો ગેરકાયદે ઉપયોગ કરીને ફાયરકલે અને કાર્બોસેલ જેવી કિંમતી ખનીજોનું મોટા પાયે ખોદકામ શરૂ કર્યું હતું.
ખનીજ માફિયાઓ દ્વારા આ પ્રકારે કરવામાં આવતી કુદરતી સંપત્તિની લૂંટને કારણે સરકારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં અંદાજે ૧૩.૨૫ લાખ રૂપિયાની ખનીજ ચોરી થઈ હોવાનો અંદાજ મેળવ્યો છે. આ ગંભીર ગુનાના પગલે સાયલા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી.
SOG પોલીસની ટીમે બાતમીને આધારે ચોરવીરા ગામે જ દરોડો પાડીને મુખ્ય આરોપી ખેંગાર જેમાભાઈ પનારાની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આ ગેરકાયદેસર ખનનના કાળા કારોબારમાં અન્ય કોની-કોની સંડોવણી છે અને આ ખનીજ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસના આ સપાટાથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને કુદરતી સંસાધનો સાથે ચેડા કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી સાથે પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા મથી રહી છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
