<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

કચ્છના ખાવડામાં ખાણ-ખનિજ વિભાગનો સપાટો : બિનઅધિકૃત ખનિજ વહન કરતાં છ વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત

લાઇમસ્ટોન, સેન્ડસ્ટોન અને સાદી રેતીના વહન સામે કાર્યવાહી; નિયમભંગ બદલ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ :  કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનિજ વહન અને ખનિજ સંગ્રહની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ખાવડા વિસ્તારમાં હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરતાં કુલ છ વાહનો ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ વાહનોમાં વહન કરવામાં આવતા ખનિજ સહિતના સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૩ કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વિભાગ દ્વારા કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ડી. એસ. બારિયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ખનિજ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સતત તપાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ખાવડા વિસ્તારમાં વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ છ વાહનો નિયમભંગ કરતાં હોવાનું જણાતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પાંચ વાહનોમાં લાઇમસ્ટોન અને સેન્ડસ્ટોન ખનિજનું વહન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. આ વાહનોના રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ માત્રામાં ખનિજ ભરેલું હોવાનું સામે આવતાં વિભાગ દ્વારા નિયમો અનુસાર દંડનીય રકમની વસૂલાત કરવામાં આવી હતી. બીજી તરફ, વાહન નંબર જીજે-૧૨-સીટી-૮૦૭૪માં સાદી રેતી ખનિજ ભરેલું હોવાનું જણાયું હતું. જોકે, વાહનના ચાલક કે માલિક દ્વારા ખનિજના વહન અંગેનો રોયલ્ટી પાસ અથવા અન્ય આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. પરિણામે આ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલ વાહન તથા તેમાં રહેલા ખનિજ સહિતના મુદ્દામાલને ખાવડા સ્થિત એ.કે. લોજિસ્ટિક ખાતે રાખવામાં આવ્યો છે.

આમ, સમગ્ર કાર્યવાહીમાં પકડાયેલાં છ વાહનોમાં વહન કરવામાં આવતા ખનિજ સહિતના મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૩ કરોડ જેટલી થાય છે. આ તમામ વાહનોના કિસ્સામાં ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા પ્રવર્તમાન કાયદાકીય નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખાણ અને ખનિજ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખનિજ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસનો દોર યથાવત્ રાખવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(10:02 AM IST)