<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કચ્‍છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી શંકાસ્‍પદ અત્‍યાધુનિક ઉપકરણો મળ્‍યા સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ

શીપ, બોટ ટ્રેકર અને ઓક્‍સિજન સિલિન્‍ડર મળ્‍યું, એજન્‍સીઓની તપાસનો ધમધમાટ : મરીન કમાન્‍ડો, તટરક્ષક દળ, જખૌ પોલીસ દ્વારા આજુબાજુના સમગ્ર દરિયાઈ બેટ અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં કોમ્‍બિંગ અને સર્ચ ઓપરેશન તેજઃ ઉપકરણો કયા દેશના કે કઈ બોટના છે ? તેની વિગતો મેળવવા ટેકનિકલ તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫: કચ્‍છના સરહદી અને સંવેદનશીલ ગણાતા અબડાસા તાલુકાના પિગલેશ્વર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ટેકનિકલ સાધનો મળી આવ્‍યા છે. નિયમિત પેટ્રોલિગ દરમિયાન સ્‍થાનિક જખૌ પોલીસ, એલ.આઈ.બી. અને સ્‍ટેટ આઈબી ની સંયુક્‍ત ટીમને આ શંકાસ્‍પદ સામગ્રી હાથ લાગી હતી. જેને પગલે વિવિધ કેન્‍દ્રીય અને સ્‍થાનિક એજન્‍સીઓ તપાસમાં જોતરાઈ છે. સુરક્ષા દળોને દરિયા કિનારે બિનવારસી હાલતમાં બે મુખ્‍ય વસ્‍તુઓ મળી આવી છે AIS (ઓટોમેટિક આઇડેન્‍ટિફિકેશન સિસ્‍ટમ) ઉપકરણઃ આ એક પ્રકારનું ગોળાકાર ટ્રેકિગ ડિવાઈસ (બોટ ટ્રેકર) છે, જે સામાન્‍ય રીતે મોટા માલવાહક જહાજો અથવા આંતરરાષ્ટ્રીય ફિશિગ ટ્રોલર્સમાં જહાજનું ચોક્કસ લોકેશન, દિશા અને પાણીની ઊંડાઈ માપવા માટે વપરાય છે. ઇમરજન્‍સી ઓક્‍સિજન કિટ મળી. એક કેસરી રંગના બોક્‍સમાંથી માસ્‍ક સાથેનું ઓક્‍સિજન સિલિન્‍ડર મળી આવ્‍યું છે, જેનો ઉપયોગ કટોકટીના સમયે ક્રૂ મેમ્‍બર્સનો જીવ બચાવવા માટે થતો હોય છે. તપાસ એજન્‍સીઓના પ્રાથમિક અંદાજ મુજબ, દરિયામાં આવેલી ભારે ભરતી અને જોરદાર મોજાંને કારણે આ સાધનો આંતરરાષ્ટ્રીય જળસીમા તરફથી તણાઈને ભારતીય કિનારા પર આવી ગયા હોવાની શક્‍યતા છે. જો કે, આ સાધનો પાછળ કોઈ શંકાસ્‍પદ કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિનો ઈરાદો હતો કે કેમ તે જાણવા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી આવા સંવેદનશીલ ઉપકરણો મળવાને ગંભીરતાથી લઈને મરીન કમાન્‍ડો, તટરક્ષક દળ (Indian Coast Guard) અને જખૌ પોલીસ દ્વારા આજુબાજુના સમગ્ર દરિયાઈ બેટ અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં કોમ્‍બિંગ અને સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્‍યું છે. આ ઉપકરણો કયા દેશના કે કઈ બોટના છે તેની વિગતો મેળવવા ટેકનિકલ તપાસ ચાલી રહી છે.

(9:49 AM IST)