<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ભાવનગરના સિહોર સ્થિત બુઢણા ગામની 15 વર્ષીય તાનિયા બલોચે એશિયા ગ્લોબલ ગ્રેપલિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો

30 દેશોના ખેલાડીઓ વચ્ચે તાનિયાએ ફાઇનલમાં આર્જેન્ટિનાની ખેલાડીને માત આપી વૈશ્વિક મંચ પર દેશ અને ગુજરાતનું નામ ગૌરવવંતુ કર્યું .

ભાવનગર જિલ્લાના સિહોર પંથકના નાના એવા બુઢણા ગામની માત્ર 15 વર્ષની દીકરી તાનિયા બલોચે વૈશ્વિક ફલક પર ભારત અને ગુજરાતનું નામ ગૌરવથી રોશન કર્યું છે. તૂર્કી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધા ‘એશિયા ગ્લોબલ ગ્રેપલિંગ સિરીઝ’માં તાનિયાએ શાનદાર કુસ્તી કૌશલ્યનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. વિશ્વના દિગ્ગજ 30 દેશોના રેસલર્સ વચ્ચે ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાની મજબૂત ખેલાડીને પછાડીને તાનિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

 

તૂર્કીમાં યોજાયેલી આ ગ્લોબલ ચેમ્પિયનશિપમાં અમેરિકા, યુરોપ અને એશિયા સહિત વિશ્વભરના 30 દેશોના શ્રેષ્ઠ કુસ્તીબાજોએ ભાગ લીધો હતો. આ કઠિન સ્પર્ધામાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાંથી ગયેલી 15 વર્ષીય તાનિયા બલોચે શરૂઆતથી જ પોતાની પકડ અને ચપળતાથી વિરોધી ખેલાડીઓ પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. એક પછી એક રાઉન્ડ જીતીને તે ફાઇનલમાં પ્રવેશી હતી.

 

 

ગોલ્ડ મેડલ માટે રમાયેલા રોમાંચક આખરી મુકાબલામાં તાનિયા બલોચનો સામનો આર્જેન્ટિનાની અનુભવી કુસ્તીબાજ સામે થયો હતો. તાનિયાએ અદભુત ગ્રેપલિંગ ટેકનિક અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરતાં આર્જેન્ટિનાની ખેલાડીને ધૂળ ચટાવી દીધી હતી અને વિજયી બની ભારત માટે ગોલ્ડ મેડલ કબ્જે કર્યો હતો. વિદેશની ધરતી પર ત્રિરંગો લહેરાવતાં જ સમગ્ર ભારતીય છાવણીમાં ગૌરવપૂર્ણ ક્ષણો સર્જાઈ હતી.

 

 

તાનિયા બલોચે ગોલ્ડ મેડલ જીત્યાના સમાચાર વતન બુઢણા પહોંચતાં જ ગ્રામજનો, પરિવારજનો અને રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને દીકરીની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિને વધાવી લીધી હતી. માત્ર 15 વર્ષની નાની વયે ગ્રામ્ય સ્તરેથી નીકળી વિશ્વ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ જીતનારી તાનિયા રાજ્યની લાખો દીકરીઓ માટે નવી પ્રેરણા બની છે.

(9:39 PM IST)