<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

જૂનાગઢના માળિયાહાટીનાના ગાંગેચા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો

"તમે ચેકિંગ કરવા કેમ આવ્યા છો?" તેમ કહી ઝઘડો કરીને આ અજાણ્યા શખ્શોએ ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો અને તરત ફરાર થઈ ગયા

જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગાંગેચા ગામમાં વીજ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેતપુરની વીજ કંપનીની ટીમ દ્વારા ગામમાં એક રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન બે વીજ કંપનીના અધિકારીઓ અને એક પીએસઆઈ પણ સ્થળ પર હાજર હતા.

 

ઘટનાની વિગત મુજબ, જ્યારે ટીમ મકાનની અંદર ચેકિંગ કરી રહી હતી, ત્યારે વીજ કંપનીની જીપના ડ્રાઈવર મકાનની બહાર ઊભા હતા.તે સમયે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્શોએ ડ્રાઈવર પાસે આવીને "તમે ચેકિંગ કરવા કેમ આવ્યા છો?" તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ, આ અજાણ્યા શખ્શોએ ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

 

 

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર નાજાભાઈ મોગલને તાત્કાલિક સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

(2:02 PM IST)