<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મોરબીના શક્ત શનાળામાં અસામાજિક તત્વોનો આતંક : 6 વાહનોના કાચ તોડ્યા.

મધરાતે અજાણ્યા શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શક્ત શનાળા ગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગત રાત્રિના સમયે શક્ત શનાળામાં પાર્ક કરેલા 5 જેટલા વાહનોના કાચ અજાણ્યા શખ્સોએ તોડી નાખીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે વાહન માલિકો દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
   પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 21/10/2026 ના રોજ રાત્રીના આશરે 2 વાગ્યાની આસપાસ શક્ત શનાળામાં આવેલ લીમડા વાળા મેલડી માતાના મંદિરની સામે પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા હિતભાઈ રંગપરીયાની વિનય સ્કૂલની બસ નંબર GJ 36 V 1307 ના આગળ અને પાછળના સાઇડના કાચ તેમજ અન્ય વાહન નંબર GJ 03 BT 2474 ના આગળ અને સાઇડના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિનોદભાઈ ધમસાનીયાની ગ્રીન વેલી સ્કૂલની બસ નંબર GJ 36 V 3090 ના આગળની સાઇડની બારીના કાચ તોડવામાં આવ્યા હતા.
   વધુમાં, રવજીભાઈના જેસીબી નંબર GJ 36 S 3713 ના તમામ કાચ અને મહેશભાઈ કડોતરના આઈસર નંબર GJ 03 AT 3054 ના આગળ અને સાઈડના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ સાથે જ બાજુમાં પાર્ક કરેલા એક ક્રેટાના પણ આગળના કાચ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા. આ તમામ વાહનોમાં તોડફોડ કરીને અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે વાહન માલિકોએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે

(12:54 AM IST)