News of Saturday, 19th September 2026
સુરેન્દ્રનગરના લીંબડીમાં અડધો કિલોથી વધુ સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો: ભુવાની વાતોમાં આવી માલિકે ૩ મહિના સુધી પોલીસને ન કરી જાણ!
ઘરમાં કામ કરતી મહિલા, પતિ અને સંબંધીઓએ જ ઘડી હતી ચોરીની યોજના: LCB અને સ્થાનિક પોલીસે મહિલા સહિત ૫ આરોપીઓની ધરપકડ કરી રૂ. ૮૫.૨૩ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત રામદર્શન સોસાયટીના એક મકાનમાં અંદાજે ત્રણ મહિના પહેલાં થયેલી ૫૬ તોલા સોનાના બિસ્કિટની મોટી ચોરીનો એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત કામગીરીથી પર્દાફાશ થયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક મહિલા સહિત કુલ ૫ આરોપીઓની ધડપકડ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ચોરી ઘરની જ કામવાળી મહિલા અને તેના પરિવારે અંજામ આપી હતી.
ઘટનાની વિગતો મુજબ, ત્રણ મહિના પહેલાં મકાનમાંથી આશરે ૫૬ તોલા સોનાની ચોરી થઈ હતી, પરંતુ મકાનમાલિકે શરૂઆતમાં પોલીસને જાણ કરવાને બદલે એક ભુવાજીની સલાહ લીધી હતી. ભુવાજીએ "સોનું બે-ત્રણ મહિનામાં આપોઆપ પરત મળી જશે" તેવી શ્રદ્ધા અપાવાતાં પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. જોકે, ત્રણ મહિના વીતવા છતાં સોનું પરત ન મળતાં આસપાસના લોકોમાં ચર્ચા જાગી હતી અને આખરે સ્થાનિક પોલીસે આ બાબતે સઘન તપાસ આદરી હતી.
મહિલા સહિત ૫ આરોપીઓ ગિરફ્તાર, રૂ. ૮૫.૨૩ લાખનો મુદ્દામાલ બરામદ
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતાં સામે આવ્યું હતું કે ઘરમાં કામ કરતી અનસૂયાબેન, તેના પતિ ધીરુભાઈ રાઠોડ, ભાણેજ પ્રદીપભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ મળીને આ કાવતરું રચ્યું હતું. પોલીસે દરોડો પાડીને ૫૬૧ ગ્રામ સોનાના બિસ્કિટ (કિંમત રૂ. ૮૩.૫૮ લાખ), રૂ. ૧.૩૦ લાખ રોકડા અને ૪ મોબાઈલ સહિત કુલ રૂ. ૮૫.૨૩ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ધીરુભાઈ રાઠોડ, પ્રદીપભાઈ, જપ્પુભાઈ કટોણા, જયેશભાઈ પાટડીયા અને અંસોયાબેનનો સમાવેશ થાય છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
