News of Wednesday, 4th November 2026
આ...લે...લે...કચ્છમાં દારૂની બોટલ ન આપી તો છરી ઝીંકી દીધી
અલ્તાફ ઉર્ફે પંચર નામના શખ્સે શાહબાઝ જાકબ સંઘાર ઉપર હુમલો કરતા સારવારમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ :.. ભુજના ભીડગેટ પાસે આવેલી ચાની હોટલે દારૂની બોટલ પીવા ન આપવાના મનદુઃખમાં ૨૪ વર્ષીય શાહબાઝ જાકબ સંઘાર પર છરીથી હુમલો થયાની ઘટના સામે આવી છે. અલ્તાફ ઉર્ફે પંચર નામના શખ્સે શાહબાઝના પેટમાં છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ફરિયાદ મુજબ, સોમવારે સાંજે શાહબાઝ જાકબ સંઘાર પોતાના મિત્રો ઈરફાન કુંભાર, વકાર પીંજારા અને સલીમ કુંભાર સાથે ભીડગેટ પાસે આવેલી ચાની હોટલે બેઠો હતો. આ દરમિયાન વકાર પીંજારાએ રિક્ષામાંથી દારૂની બોટલ કાઢી હતી. મિત્રો વચ્ચે બોટલની આપ-લે થઈ રહી હતી. ત્યારે દાદુપીર રોડ પર રહેતો અલ્તાફ ઉર્ફે પંચર ત્યાં આવ્યો હતો. શાહબાઝે તેને દારૂ પીવા માટે ન પૂછતાં મનદુઃખમાં ગાળાગાળી કરી છરીથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત શાહબાઝને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અલ્તાફ ઉર્ફે પંચર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
