News of Sunday, 13th September 2026
ભાવનગરમાં ઝડપાયેલી નકલી દારૂ બનાવાની ફેક્ટરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
LCBની ટીમ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરીને આ નકલી દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્શોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરશે

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર: શહેરના રેલ્વે કોલોની વિસ્તારમાંથી ઝડપાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીના પ્રકરણમાં એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલા ત્રણેય મુખ્ય આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ચકચારી કેસમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવા માટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે.
ભાવનગર શહેરના રેલ્વે કોલોની સ્થિત એક મકાનમાં ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં નકલી દારૂનો જથ્થો, દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, ખાલી બોટલો, બ્રાન્ડેડ કંપનીઓના બોગસ લેબલ તથા અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રેલ્વે કોલોની જેવા રહેણાંક વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપાતા પોલીસ બેડા સહિત સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ભારે ચર્ચા જાગી છે. આ નકલી દારૂના કારોબારના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાલ કરવા માટે LCB દ્વારા ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા નકલી દારૂ બનાવવા માટેનું કેમિકલ અને રો-મટિરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું? તેમજ આ નકલી દારૂ કયા કયા વિસ્તારોમાં અને કોને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે અંગેની ઘનશ્યામ તપાસ બાકી છે. આ ઉપરાંત, આ કૌભાંડ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય કે સ્થાનિક રેકેટ સક્રિય છે કે કેમ તે દિશામાં પણ આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી હોય, પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
નામદાર કોર્ટે પોલીસની રજૂઆતો અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ત્રણેય આરોપીઓ અક્ષયરાજસિંહ ગોહિલ, વિજય મકવાણા અને જીતેન્દ્ર ખાવડિયાના આગામી પાંચ દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન LCBની ટીમ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરીને આ નકલી દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરશે
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
