<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

આજે વર્લ્ડ COPD ડે: લાંબા સમયથી કફ, ઉધરસ અને શ્વાસ ચઢવાની તકલીફને અવગણશો નહીં, કાળો દમ હોઈ શકે!

જાણો, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) શું છે અને ફેફસાંને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય ? સમયસર સારવાર ગંભીર પરિસ્થિતિથી બચવા માટે મહત્ત્વપૂર્ણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ :  દર વર્ષે ૧૮ નવેમ્બરના રોજ વિશ્વ COPD (કાળો દમ) દિવસની ઉજવણી કરવામાં આવે છે. COPD એટલે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. આ ફેફસાંનો લાંબા ગાળાનો રોગ છે, જેમાં શ્વાસનળીઓ સાંકડી થવાથી શ્વાસ લેવામાં અવરોધ ઊભો થાય છે. આ રોગનું વહેલું નિદાન અને સમયસર સારવાર ગંભીર પરિસ્થિતિથી બચવા માટે મહત્ત્વપૂર્ણ છે.

અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડો. કલ્પેશ પટેલે વિશ્વ COPD દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે, આ એવી બીમારી છે જે મોટાભાગે લાંબા સમય સુધી રહે છે અને દર્દીને સતત સારવાર તથા નિયમિત ફોલોઅપની જરૂર પડે છે. હોસ્પિટલમાં દર મહિને આશરે ૧૦૦ જેટલા દર્દીઓ આ બીમારીની સારવાર લે છે. બીમારી લાંબા સમય સુધી ચાલતી હોવાથી સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં વધઘટ થતી રહે છે. આસિ. પ્રોફે. ડો. પાર્થ પટેલ અને ડો. ફોરમ રૂપારેલે જણાવ્યું હતું કે, COPD થવાનાં મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુના ધુમાડાનો સંપર્ક, હવાનું પ્રદૂષણ, રસોઈમાં લાકડાં કે છાણાંના ધુમાડાનો લાંબા સમય સુધી સંપર્ક, ધૂળ અને રાસાયણિક વાયુઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ધૂમ્રપાન ન કરતા લોકો પણ આ બીમારીનો ભોગ બની શકે છે. લાંબા સમયથી ઉધરસ, કફ કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેને વધતી ઉંમરની સામાન્ય અસર ગણી અવગણવાને બદલે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ.

COPDનાં મુખ્ય બે પ્રકાર:

COPDનાં મુખ્ય બે સ્વરૂપ છે. ક્રોનિક બ્રોન્કાઇટિસમાં શ્વાસનળીઓમાં સોજો આવવાથી સતત કફની સમસ્યા રહે છે, જ્યારે એમ્ફિસીમામાં ફેફસાંની હવાની કોથળીઓને નુકસાન પહોંચે છે. સતત ઉધરસ, કફ, ચાલતી વખતે કે સીડી ચઢતી વખતે શ્વાસ ચઢવો, છાતીમાં જકડામણ અને શ્વાસ લેતી વખતે ઘરઘરાટી થવી તેનાં મુખ્ય લક્ષણો છે. રોગની ગંભીરતા હળવાથી લઈને અત્યંત ગંભીર સ્વરૂપ સુધી હોઈ શકે છે.

*યોગ્ય સારવારથી જીવનશૈલીમાં સુધારો શક્ય*

સ્પાયરોમેટ્રી નામની શ્વાસની તપાસ દ્વારા COPDનું નિદાન થઈ શકે છે. ઇન્હેલર, દવાઓ, જરૂરિયાત મુજબ ઓક્સિજન, નિયમિત કસરત અને પલ્મોનરી રિહેબિલિટેશન દ્વારા રોગને નિયંત્રણમાં રાખી શકાય છે. ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડવું અને હવાના પ્રદૂષણથી બચવું પણ એટલું જ જરૂરી છે. COPDનો સંપૂર્ણ કાયમી ઇલાજ ન હોવા છતાં યોગ્ય સારવાર અને નિયમિત તબીબી દેખરેખથી રોગની પ્રગતિ ધીમી કરી શકાય છે અને દર્દીની જીવનશૈલીમાં સુધારો લાવી શકાય છે.

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ધૂમ્રપાનથી દૂર રહેવું, ધૂળ-ધુમાડા અને પ્રદૂષણથી બચવું, નિયમિત કસરત કરવી તથા લાંબા સમયથી ઉધરસ કે શ્વાસની તકલીફ હોય તો સમયસર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

(9:25 AM IST)