News of Wednesday, 13th May 2026
જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપૂર:ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો હોય કે ગિરનારની પવિત્ર ગિરીકંદરાઓ તમામ સ્થળો 'હાઉસફુલ'
પ્રકૃતિ અને ઇતિહાસના શોખીનો માટે જૂનાગઢ પહેલી પસંદ બન્યું : ઉપરકોટમાં પ્રવાસીઓ અડી-કડી વાવ, નવઘણ કૂવો અને ઐતિહાસિક તોપ નિહાળી રાજા-રજવાડાના ઇતિહાસ વાગોળે છે ::એશિયાના સૌથી જૂના સક્કરબાગ ઝૂમાં વનરાજ કેસરી સિંહ, દીપડા અને વાઘને નિહાળવા માટે સવારથી જ લાંબી કતારો

જૂનાગઢ :ઉનાળુ વેકેશન પડતાની સાથે જ પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે વિહાર કરવા નીકળી પડ્યા છે. સંત, શૂરા અને સાવજોની પવિત્ર ભૂમિ ગણાતા જૂનાગઢમાં હાલ પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટ્યો છે. ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો હોય કે ગિરનારની પવિત્ર ગિરીકંદરાઓ, તમામ સ્થળો 'હાઉસફુલ' જોવા મળી રહ્યા છે.
પ્રકૃતિ અને ઇતિહાસના શોખીનો માટે જૂનાગઢ પહેલી પસંદ બન્યું છે. તાજેતરમાં નવરંગ પામેલા ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ભીષણ ગરમીમાં પણ અહીંના ઘટાદાર વૃક્ષોને કારણે લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. પ્રવાસીઓ અહીં અડી-કડી વાવ, નવઘણ કૂવો અને ઐતિહાસિક તોપ નિહાળી રાજા-રજવાડાના ઇતિહાસને વાગોળી રહ્યા છે. સાથે જ બાળકો માટે સાયકલિંગની સુવિધા આકર્ષણનું કેન્દ્ર બની છે.
જૂનાગઢનો પ્રવાસ સક્કરબાગ ઝૂ વગર અધૂરો છે. એશિયાના સૌથી જૂના ઝૂમાં વનરાજ કેસરી સિંહ, દીપડા અને વાઘને નિહાળવા માટે સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જાણકારી આપવા માટે અહીં વિશેષ ગાઈડ અને માહિતી બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ મન મૂકીને વેકેશનનો આનંદ માણી રહ્યા છે. માત્ર મનોરંજન જ નહીં, પણ જૂનાગઢ આસ્થાનું પણ કેન્દ્ર છે. ગિરનારની ગિરીતળેટીથી લઈને શિખરો સુધી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. રોપ-વેની સુવિધા બાદ માં અંબાના દર્શન પ્રવાસીઓ માટે સરળ બન્યા છે. ગુરુ દત્ત શિખર અને દાતાર પર્વત પર દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. આમ, ઇતિહાસ, પ્રકૃતિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢમાં હાલ વેકેશનની રંગત જામી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
