News of Thursday, 14th May 2026
અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામમાં કરુણાંતિકા : ધાતરવડી નદીમાં ડૂબી જવાથી 2 કિશોરોના કરૂણમોત
ખાખબાઈ ગામના બે કિશોરો ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીના કિનારે પહોંચ્યા પરંતુ નદીના વહેણે તેમના જીવનનો અંત લાવ્યો

અમરેલી જિલ્લામાં પારો 42 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી રાહત મેળવવા જળાશયો તરફ વળી રહ્યા છે, પરંતુ આ ગરમી રાજુલાના એક પરિવાર માટે કાળ સાબિત થઈ છે. રાજુલાના ખાખબાઈ ગામ પાસે વહેતી ધાતરવડી નદીમાં નાહવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ, ખાખબાઈ ગામના રહેવાસી ગાંડુભાઈ લાલાભાઇ પરમાર (ઉંમર વર્ષ 15) અને દક્ષભાઈ રાજેશભાઈ ડોડીયા (ઉંમર વર્ષ 15) બપોરના સમયે અસહ્ય ગરમીથી બચવા માટે ધાતરવડી નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા બંને કિશોરો એકાએક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ ખાખબાઈ ગામના સરપંચ અને ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની ટીમ અને ગામના યુવાનોએ તાત્કાલિક નદીમાં શોધખોળ આદરી હતી. ભારે જહેમત બાદ બંને કિશોરોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
એકસાથે બે આશાસ્પદ કિશોરોના મોતથી ખાખબાઈ ગામ સહિત સમગ્ર રાજુલા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉનાળા દરમિયાન અજાણ્યા જળાશયોમાં ઉતરવાનું સાહસ ન કરવું.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
