<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

રાજમાતા સાહેબના નિધન પર રાજ્યમંત્રી અમૃતિયાની શ્રદ્ધાંજલિ

મોરબીવાસીઓને સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી સ્ટેટના રાજમાતા વિજયાકુંવરબા સાહેબના 97 વર્ષની વયે થયેલા દુઃખદ નિધનથી સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ રાજમાતા સાહેબના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મોરબીવાસીઓને રવિવારે સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી શોક સાથે શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ કરી હતી 
કાંતિભાઈ અમૃતિયાએ રાજમાતા સાહેબના મોરબી પ્રત્યેના લગાવને યાદ કરતા જણાવ્યું હતું કે, રાજમાતા સાહેબે 97 વર્ષની ઉંમરે પણ મોરબીને ખૂબ જ પ્રેમ આપ્યો હતો. ખાસ કરીને શિક્ષણ અને પશુઓના કલ્યાણ માટે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીમાં પશુઓ માટે પાંજરાપોળની અંદાજે 4500 વીઘા જમીન તેમની જ ભેટ છે. તેઓ મોરબીથી દૂર હોવા છતાં, ફોન દ્વારા સતત મોરબીની શિક્ષણ, આરોગ્ય અને પશુઓની સુખાકારી વિશે ચિંતા કરતા રહેતા હતા.
તેમનાં પાર્થિવ દેહને મુંબઈથી મોરબી લાવવામાં આવશે. કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યું કે, સવારે 8:30 વાગ્યે ન્યૂ પેલેસ ખાતે તેમના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા  ત્યારબાદ સવારે 10:00 વાગ્યે ન્યૂ પેલેસથી તેમની સ્મશાન યાત્રા નીકળી હતી .
મંત્રીએ સમગ્ર મોરબી જિલ્લાના લોકોને, ખાસ કરીને વેપારીઓને અપીલ કરી છે કે રાજમાતા સાહેબના મોરબી પ્રત્યેના પ્રેમને અને તેમના યોગદાનને યાદ કરી, આવતીકાલે સ્વયંભૂ તમામ ધંધા-રોજગાર બંધ રાખીને સામુહિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે. તેઓએ મોરબીની જનતાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્મશાન યાત્રામાં જોડાઈને રાજમાતા સાહેબને અંતિમ વિદાય આપવા પણ અપીલ કરી હતી .

(1:16 PM IST)