News of Friday, 17th April 2026
કચ્છમાં રોંગ સાઇડમાં આવતા ટ્રક હડફેટે કારઃ દંપતી અને પુત્રીના મોત
કચ્છના નખત્રાણા પાસે ગમખ્વાર અકસ્માતઃ અમદાવાદથી સમૂહલગ્નમાં આવતા પાટીદાર પરિવાર ઉપર કાળ ત્રાટકયોઃ અરેરાટીભર્યા માર્ગ અકસ્માતમાં ત્રણના મોતને પગલે લોકોમાં શોકનું મોજું, રોંગ સાઈડથી આવતી ટ્રક અને કાર વચ્ચેની ટક્કર બની જીવલેણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭: ‘ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે?' અમદાવાદના નરોડામાં રહેતા મૂળ કચ્છના પાટીદાર પરિવારને એ કલ્પના પણ નહીં હોય કે એમની માદરે વતન કચ્છની આ સફર જીવનની અંતિમ સફર બની જશે. ટ્રાફિકના નિયમ પાલનના અભાવે અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે કચ્છમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો વણથંભ્યો ચાલુ જ છે. ટ્રાફિકના નિયમોના ઉલાળીયા કરતા વાહનચાલકો યમદૂત બની અન્ય નિર્દોષ લોકોના પ્રાણ હરી લે છે. નખત્રાણાના દેવપર અને ધાવડા ગામ વચ્ચે રોંગ સાઈડથી આવતી ટ્રકનું ટાયર ફાટતાં કારને હડફેટે લેતા ત્રણ જણના કરૂણ મોત નીપજ્યા હતા. મૂળ નખત્રાણાના હાલ અમદાવાદ નરોડા રહેતા ૪૭ વર્ષીય ઘનશ્યામ અરજણ કેશરાણી, તેમના પત્ની ૪૫ વર્ષીય કલ્પનાબેન અને યુવાન પુત્રી ૨૩ વર્ષીય આશ્વીબેન કેશરાણીએ આ ગોઝારા માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ પાટીદાર પરિવાર માદરે વતન કચ્છમાં સમાજના સમૂહલગ્નમાં ભાગ લેવા અમદાવાદથી કચ્છ આવી રહ્યો હતો. આ અકસ્માતમાં પરિવારના મોભી અરજણભાઈ કેશરાણીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની આ કરુણાંતિકાને પગલે લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
