તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભાવનગર- મહુવા વચ્ચે માઢીયા ગામ પાસે ટ્રક રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો: ડીઝલ ટેન્ક તૂટતા ટ્રક આગના ગોળામાં ફેરવાયો
સદનસીબે, અકસ્માત સર્જાતા જ ટ્રકમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા

ભાવનગરથી મહુવા તરફ જઈ રહેલા એક ટ્રકને માઢીયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલા આ ટ્રકચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ટ્રક પલટી ખાઈ જવાની સાથે જ તેની ડીઝલ ટેન્ક જોરદાર ધડાકા સાથે તૂટી ગઈ હતી. ટેન્કમાંથી ડીઝલ લીક થવાને કારણે ગણતરીની મિનિટોમાં આખા ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાવા લાગી હતી. સદનસીબે, અકસ્માત સર્જાતા જ ટ્રકમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ભાવનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગ અને પોલીસની સમયસરની કામગીરીને કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલા જ બુઝાવી દેવામાં આવી હતી, જેને પગલે એક મોટી દુર્ઘટના ટળી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
