<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

મોરબીના અણીયારી ગામે બે બાઈકની રેસ લાગી: વૃધ્ધાને હડફેટે લેતા મોત.

ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા વૃદ્ધાને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના અણિયારી ગામ નજીક રોડ પર નંબર પ્લેટ વગરના બે સ્પોર્ટ્સ બાઈક ચાલકોએ ધોળા દિવસે હાઇવે પર રેસ લગાવ્યા બાદ યામાહા આર-૧૫ બાઇકના ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા વૃદ્ધાને હડફેટે લેતા ગંભીર ઈજાપહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    મોરબીના આલાપ રોડ પર ખોડિયારનગરમાં રહેતા મૂળ અણિયારી ગામના વતની હર્ષદભાઇ કલ્યાણજીભાઇ બાવરવાએ અજાણ્યા નંબર પ્લેટ વગરના આર-૧૫  યામાહા બાઇકના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે તેમના વૃદ્ધ માતા ગીતાબેન કલ્યાણજીભાઇ બાવરવા અણિયારી ગામના બસસ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે અણિયારી ચોકડી તરફથી પુરપાટ ઝડપે નંબર પ્લેટ વગરના બે બાઈક ચાલકો રેસ લગાવી આવતા હતા જેમાં આર-૧૫ યામાહા બાઈકના ચાલકે બેલેન્સ ગુમાવી દઈ ફરિયાદીના માતા ગીતાબેન કલ્યાણજીભાઇ બાવરવાને હડફેટે લઈ દૂર સુધી ઢસડી જતા ગીતાબેનનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

(10:54 PM IST)