News of Friday, 30th October 2026
જામજોધપુરથી ત્રણ વર્ષ પહેલાં ગુમ થયેલા બે બાળકોને સોશિયલ મીડિયાના આધારે શોધી કાઢતી જામનગર એએચટીયુ
ફેસબુક પર ફોટા સાથે પોસ્ટ મૂકી માહિતી આપનારને ઇનામની જાહેરાત કરાઈઃ રાજકોટ જિલ્લાના ગવરીદળ ખાતેથી બંને બાળકોનો સુરક્ષિત કબજો મેળવાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૦: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૩થી ગુમ થયેલા બે બાળકોને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી ગુમ થયેલા તથા અપહરણ થયેલા સગીર બાળકોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ તથા ઇન્ચાર્જ પીઆઈ એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ૧૧૨૦૨૦૨૬૨૩૦૭૦૭/૨૦૨૩ અન્વયે ૧૪ વર્ષીય મનોજ અને ગણેશ નામના બે બાળકો ગુમ થયા હતા. લાંબા સમયથી ભાળ ન મળતા AHTUના ASI રણમલ કારાભાઈ ગઢવીએ એક નવતર પ્રયાસ કર્યો હતો. ASI રણમલ ગઢવીએ તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બંને બાળકોના ફોટોગ્રાફસ સાથે પોસ્ટ મૂકી હતી અને માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટ વાયરલ થતાં મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને બાળકો રાજકોટ જિલ્લાના ગવરીદળ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. બાતમી મળતાની સાથે જ AHTUની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બંને બાળકોને શોધી કાઢી સુરક્ષિત રીતે કબજામાં લીધા હતા અને જામનગર લાવી બાળ ઓબ્ઝર્વેશન હોમ ખાતે સુપરત કર્યા હતા. આ સફળ કામગીરીમાં પીઆઇ વી.એસ. પટેલ, ઇન્ચાર્જ પીઆઇ એન.બી. ડાભી, એએસઆઇ રણમલભાઈ ગઢવી તથા એએસઆઇ રાજદીપસિંહ ઝાલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
