News of Wednesday, 21st October 2026
મોરબીની પીપળીયા ચોકડીએ ટ્રકની ઠોકરે બોલેરોનો બૂકડોઃ એમપીના બે સગા ભાઇ સહિત ૩ મોતઃ ૮ને ઇજા
મુળ મધ્યપ્રદેશના મજૂરો ખેતરોમાં કામ પુરૂ કર્યા બાદ બોલેરોમાં બેસી અલગ અલગ ગામના રહેણાંકે જતાં હતાઃ ૮ને રાજકોટ ખસેડાયાઃ બે ગંભીર

રાજકોટ તા. ૨૧: મોરબીની પીપળીયા ચોકડી નજીક રાત્રીના બારેક વાગ્યે ટ્રકે બોલેરોને ઠોકરે લેતાં બોલેરો પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા મધ્યપ્રદેશના બાર જેટલા ખેત મજૂરોમાંથી બે મજૂરના ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે આઠને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ખેત મજૂરી પુરી કર્યા બાદ આ મજૂરો બોલેરોમાં બેસીની પોતે જ્યાં રહેતા હોઇ તે વાડીએ જવા નીકળ્યા હતાં. રાજકોટ ખસેડાયા તેમાં બે મજૂરની હાલત ગંભીર છે. જેમાંથી એક યુવાનનું મોત થતાં બે સગા ભાઇ સહિત ત્રણના મોત થયા છે.
જાણવા મળ્યા મુજબ મોરબીની પીપળીયા ચોકડી પાસે રાત્રીના બારેક વાગ્યે ટ્રકની ઠોકરે બોલેરો ચડી જતાં બોલેરો પલ્ટી મારી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે આઠને ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અકસ્માતમાં ઘટના સ્થળે મોતને ભેટેલા બે મજૂરના નામ મહેન્દ્રભાઇ રૂમાલભાઇ મોવેર (ઉ.વ.૪૩) અને શંકરભાઇ પુનગિં અજનાર (ઉ.વ.૩૫) હોવાનું અને આ બંને મોરબીના ચાંચાવદરમાં રહી ખેત મજૂરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય ઇજાગ્રસ્ત ૮ મજૂરોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં બેની હાલત ગંભીર છે. આ ઇજાગ્રસ્તોમાં દિનેશભાઇ રૂમાલભાઇ મોવેર (ઉ.વ.૨૫), બાબુભાઇ રામાભાઇ મોવેર (ઉ.વ.૪૦), રાકેશ નુમનભાઇ મોવેર (ઉ.વ.૫૦), દરબાર છગનભાઇ વાસુનીયા (ઉ.વ.૩૫), અક્ષય સાદરભાઇ વાસુનીયા (ઉ.વ.૧૧), ભંગડીબેન સાદરભાઇ વાસુનીયા (ઉ.વ.૩૦) અને રાધીકા સાદરભાઇ (ઉ.વ.૧૩) તથા લાલો કુંવરસિંગ (ઉ.વ.૧૬)નો સમાવેશ થાય છે. અહિ સારવાર દરમિયાન બપોરે દિનેશ રૂમાલભાઇ મોવેરનું મોત થયું હતું. તેના ભાઇ મહેન્દ્રભાઇ રૂમાલભાઇનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતમાં બે સગા ભાઇ સહિત ત્રણના મૃત્યુ થયા છે.
આ બધા અલગ અલગ ખેતરોમાં મજૂરી કરે છે. સાંજે મજુરી કામ પુરૂ થયા બાદ બોલેરોમાં બેસી પોતે જ્યાં રહેતાં હોય છે ત્યાં જવા માટે નીકળ્યા હતાં. પાવડીયાળી ગામેથી મોરબી, બગથરા તથા ચાંચીયાવદર અને તરઘડી તરફ આ મજૂરોને જવાનું હતું. દરમિયાન મોરબી પીપળીયા ચોકડી નજીક માળીયા-આમરણ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. મોરબી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ટ્રક રોંગ સાઇડમાં આવી જતાં અકસ્માત સર્જાયાનું જાણવા મળ્યું છે. (૧૪.૫)
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
