<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મચ્છુ-૩ ડેમ ૧૦૦ ટકા ભરાતાં સાંજે ૨ દરવાજા ખોલાશે : મોરબી અને માળિયા મિયાણા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કરાયા

જળાશયમાં સતત પાણીની આવક થતાં મચ્છુ નદીમાં પાણી છોડાશે : નદીપટમાં ન જવા અને માલઢોર સલામત સ્થળે ખસેડવા જિલ્લા વહીવટી તંત્રનો ગ્રામજનોને અનુરોધ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ-૩ સિંચાઇ યોજનામાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાના પગલે ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની નવી આવક સતત ચાલુ હોવાથી વધારાના પાણીનો નિકાસ કરવા માટે તંત્ર દ્વારા સાંજે ૦૬:૦૦ કલાકે ડેમના ૨ દરવાજા ૧.૦૦ ફૂટ ખોલવામાં આવનાર છે.

ડેમમાંથી મચ્છુ નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવનાર હોઈ સાવચેતીના પગલારૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મીં) તાલુકાના કુલ ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 આ ગામોના નાગરિકોને સાવચેત રહેવા તંત્રની સૂચના

જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માળિયા (મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મીં), હરીપર અને ફતેપર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા તમામ ગ્રામજનોને નદીના પટમાં અવરજવર કે સાહસ ન કરવા, માલ-ઢોરને ત્વરિત સલામત સ્થળે ખસેડી લેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

(5:55 PM IST)