<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ભુજના નારાણપર ગામે કાર અને બે બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં બે યુવકોનાં મોત થતાં તંગદિલીનો માહોલ: તોડફોડ અને આગચંપી

તહેવારના દિવસે બનેલી આ દુર્ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ:કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કચ્છના ભુજ તાલુકાના નારાણપર ગામે અકસ્માતની ગંભીર ઘટના બાદ ભારે હોબાળો મચ્યો હતો. કાર અને બે બાઇક વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બે યુવકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તહેવારના દિવસે બનેલી આ દુર્ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે નારાણપર ગામમાં બેંક નજીક કાર અને બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાના સમાચાર ફેલાતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

બે યુવકોનાં મોત બાદ ઉશ્કેરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તોડફોડની ઘટના પણ સામે આવી હતી. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા લોકોએ એક ગાડીમાં આગ લગાવી દેતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. તહેવારના દિવસે બે યુવકોનાં મોત થતાં પરિવારોમાં શોક અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો અને ત્યારબાદ થયેલી તોડફોડ તથા આગચંપીની ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

(1:56 PM IST)