<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કચ્છના માતાના મઢ તરફ ભક્તિનો અવિરત પ્રવાહ

જય માતાજીના જયઘોષથી ગુંજ્યા કચ્છના રાજમાર્ગો,પદયાત્રીઓની સેવા માટે રસ્તે-રસ્તે સેવાકેન્દ્રો ધમધમ્યાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  વહેલી સવારનો સમય…હોય કે ધોમધખતો તાપ હોય કે સાંજ અથવા રાત હોય રસ્તા પર દૂર દૂર સુધી એક જ દૃશ્ય નજરે પડે છે—હાથમાં ધજા, ગળામાં માતાજીના ફોટાવાળા હાર અને હોઠ પર એક જ જયઘોષ… “જય માતાજી… જય માતાજી…”. પગમાં છાલા હોવા છતાં ચહેરા પર થાક નહીં, પરંતુ માતાજીના દર્શનની આતુરતા સાથે પદયાત્રીઓનો પ્રવાહ માતાના મઢ તરફ આગળ વધી રહ્યો છે. માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન માટે કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. કોઈ પરિવાર સાથે નીકળ્યું છે તો કોઈ મિત્રોના સંઘ સાથે. કેટલાક શ્રદ્ધાળુઓ તો વર્ષોથી ચાલતી પરંપરા જાળવી માતાજીના દરબારમાં પગપાળા પહોંચે છે.

રસ્તામાં ક્યાંક ભજન-કીર્તનનો માહોલ છે તો ક્યાંક સેવાભાવી લોકો દ્વારા ચા, પાણી, નાસ્તો અને ફળની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે ઠંડા પાણીની પરબથી લઈને તબીબી સારવાર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રસ્તા પર ઊભેલા સેવાભાવી યુવાનો દરેક પદયાત્રીને રોકી પ્રેમથી પૂછે છે—“પાણી પીશો? પ્રસાદ લ્યો અને થોડો આરામ કરી લો…”

*થાકેલા પગ, પરંતુ અડગ શ્રદ્ધા*

પદયાત્રાના માર્ગે ઉનાળાની ગરમી, લાંબું અંતર અને થાકનો સામનો કરવો પડે છે. તેમ છતાં શ્રદ્ધાળુઓના પગ અટકતા નથી. કોઈના પગમાં પટ્ટી બાંધેલી જોવા મળે છે તો કોઈ થોડો આરામ કરીને ફરી યાત્રા શરૂ કરે છે. પદયાત્રીઓના શબ્દોમાં શ્રદ્ધાની ગુંજ છે, “માતાજીના દર્શનની ભાવના હોય ત્યારે રસ્તાનો થાક પણ આનંદ બની જાય છે. પગ દુખે છે, પરંતુ મન કહે છે કે માતાજીના દર્શને પહોંચવાનું છે.”

*સેવાભાવ બની રહ્યો છે યાત્રાની તાકાત*

પદયાત્રીઓની સાથે સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક લોકો પણ ખભેખભો મિલાવી રહ્યા છે. માર્ગમાં ઊભા કરાયેલા સેવા કેમ્પોમાં પદયાત્રીઓને પાણી, ચા-નાસ્તો, ભોજન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. અનેક સ્થળોએ સ્વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે.

માતાના મઢ તરફ આગળ વધતો આ ભક્તિપ્રવાહ માત્ર એક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને સંકલ્પનો જીવંત સંગમ બની રહ્યો છે. રસ્તા પર ગુંજતા જય માતાજીના નાદ વચ્ચે ધજાઓ ફરકતી રહે છે અને પદયાત્રીઓની કતારો ધીમે ધીમે માતાના મઢ તરફ શ્રદ્ધા સાથે આગળ વધતી રહે છે.

પગલાં થાકે છે, શ્રદ્ધા નહીં—માતાજીના દર્શનની આશા સાથે પદયાત્રીઓનો આ ભક્તિપ્રવાહ સતત માતાના મઢ તરફ ધસી રહ્યો છે.

(9:42 AM IST)