<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

દરીયાઇ અને હવાઇ સુરક્ષા મજબુત બનાવવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય : અર્જુનભાઇ

સુરક્ષાથી શાંતિ અને શાંતિથી આર્થિક વિકાસને વેગઃ કમલેશભાઇ પટેલ

પોરબંદરના કુછડી મરીન ટાસ્‍ક ફોર્સ કેમ્‍પસ  અને ખાસ  જેલના ૧૭ કરોડથી વધુ વિકાસકામોનું લોકાપર્ણ : પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા અને જેલ અને પોલીસ હાઉસીંગ રાજયમંત્રી કમલેશભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં કાર્યક્રમ

પોરબંદર, તા., ૨૭ : પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવા તેમજ પોલીસ અને જેલ વિભાગના માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી કુછડી મરીન ટાસ્‍ક ફોર્સ કેમ્‍પસ અને ખાસ જેલ ખાતે રાજ્‍ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા આશરે રૂ. ૧૭ કરોડથી વધુના ખર્ચે નિર્મિત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. ૨૬/૧૧ના મહત્‍વપૂર્ણ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા જેલ અને પોલીસ હાઉસિંગ રાજ્‍યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

લોકાપર્ણ કાર્યક્રમમાં  વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, સર્જિકલ સ્‍ટ્રાઈક અને આધુનિક ટેકનોલોજીના યુગમાં યુદ્ધ તથા સુરક્ષાનું સ્‍વરૂપ બદલાઈ રહ્યું છે. દેશની દરિયાઈ અને હવાઈ સીમાઓનું મહત્‍વ સતત વધી રહ્યું છે ત્‍યારે આ ક્ષેત્રોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બન્‍યો છે. તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલા એર શો અને હથિયારોના પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં તેમણે ભારતીય સેના, ટેકનોલોજી નિષ્‍ણાતો અને ઉદ્યોગસાહસિકોના સહયોગથી વિકસતી આધુનિક ટેકનોલોજી દ્વારા દેશની સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ સશક્‍ત બનાવવાની આવશ્‍યકતા પર ભાર મૂકયો હતો.

મંત્રીશ્રી અર્જુનભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે, જમીન પર ઉપલબ્‍ધ સંસાધનો મર્યાદિત હોવાથી ભવિષ્‍યમાં દરિયાઈ સંસાધનોનો ઉપયોગ વિકાસ માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે. આશરે ૫૦૦ ચોરસ કિલોમીટરના લાઈમ મડ બ્‍લોક દ્વારા સિમેન્‍ટ ઉદ્યોગને લાંબા ગાળા સુધી કાચો માલ ઉપલબ્‍ધ થઈ શકે છે. આ ઉપરાંત પવન ઊર્જા, ટાઈડલ એનર્જી તેમજ દરિયાઈ વનસ્‍પતિ (આલ્‍ગી/સીવીડ)ના માધ્‍યમથી દવા, ખાદ્યપદાર્થો અને બાયો-ફયુઅલ ક્ષેત્રે વિકાસની નવી તકો ઊભી થઈ શકે છે. આ દિશામાં મોચા નજીક આશરે રૂ. ૧૦૦ કરોડના મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્‍ડ ઇનોવેશન કોરિડોર માટે જમીનની માંગણી અને આયોજન પણ કરવામાં આવ્‍યું છે. આ પ્રવળત્તિઓથી ઉદ્યોગોનો વિકાસ થવાની સાથે સ્‍થાનિક સ્‍તરે રોજગારીની નવી તકોનું પણ સર્જન થશે.

જેલ અને પોલીસ હાઉસિંગ રાજ્‍યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ૨૬/૧૧ના મહત્‍વપૂર્ણ દિવસે કુછડી ગામે આશરે રૂ. ૧૭ કરોડથી વધુના ખર્ચે નિર્મિત મરીન ટાસ્‍ક ફોર્સ અને જેલ વિભાગનાં આવાસો તથા અન્‍ય સુવિધાઓનું લોકાર્પણ થવું એ દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ પગલું છે.

રાજયમંત્રી કમલેશભાઇ પટેલે  જણાવ્‍યું હતું કે, દેશની સરહદો અને દરિયાઈ સુરક્ષામાં મરીન ફોર્સ, એટીએસ અને નેવલ વિભાગની ભૂમિકા અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. સુરક્ષાથી શાંતિ સ્‍થાપિત થાય છે અને શાંતિના માહોલમાં જ આર્થિક વિકાસને વેગ મળે છે. પોરબંદરમાં આગામી સમયમાં સાકાર થનારા આશરે રૂ. ૨૭ હજાર કરોડના શિપયાર્ડ જેવા મોટા પ્રોજેક્‍ટ્‍સને ધ્‍યાનમાં રાખીને સુરક્ષા દળોની જવાબદારી પણ વધશે. સુરક્ષિત સીમાડા અને રાષ્‍ટ્રસેવાના સંકલ્‍પ સાથે ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો.

કુછડી મરીન ટાસ્‍ક ફોર્સ કેમ્‍પસ ખાતે વિવિધ બિનરહેણાંક આવાસો, વહીવટી બ્‍લોક, એમ.ટી. સેક્‍શન, ક્‍વાર્ટર ગાર્ડ, કોટમ, બેરેક, કેમ્‍પસ કેન્‍ટીન, ફ્‌લેગ પોસ્‍ટ, આર.સી.સી. રોડ અને કમ્‍પાઉન્‍ડ વોલ સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ સુવિધાઓના કારણે મરીન ટાસ્‍ક ફોર્સના જવાનોને વધુ સુવ્‍યવસ્‍થિત, સુરક્ષિત અને સુવિધાયુક્‍ત કાર્યસ્‍થળ ઉપલબ્‍ધ બનશે, જેના પરિણામે તેમની કામગીરીની કાર્યક્ષમતામાં વધારો થશે.

પોરબંદર ખાસ જેલ ખાતે આશરે ૮૦ કેદીઓની ક્ષમતા ધરાવતી બે નવી બેરેક, ૨૧ ફૂટ ઊંચી સુરક્ષા દિવાલ, કેન્‍ટીન, પ્રોગ્રામ હોલ, ગેસ્‍ટ હાઉસ, જિમ બિલ્‍ડિંગ, ટોયલેટ બ્‍લોક, એક લાખ લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ પાણીની ટાંકી તેમજ ૧.૫૦ લાખ લીટરની ક્ષમતાનો સંપ અને પંપરૂમ સહિતનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ સુવિધાઓથી જેલની સુરક્ષા વ્‍યવસ્‍થા, વહીવટી કામગીરી અને કેદીઓ માટેની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.

આ લોકાર્પણ બાદ મંત્રીશ્રીઓ સહિત ઉપસ્‍થિત મહાનુભાવોએ તખ્‍તીનું અનાવરણ કરી નવનિર્મિત વિકાસકામોની મુલાકાત લીધી હતી. મરીન ટાસ્‍ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ. આર. શર્માએ  સ્‍વાગત કર્યુ હતું.

(1:22 PM IST)