<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ અને જામનગરના એસપી ડૉ. રવિમોહન સૈની સહિત સ્થાનિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચ્છના સરહદી ગામોમાં મુલાકાત

સ્થાનિક ગ્રામજનો સાથે પોલીસ અધિકારીઓએ ખાટલા બેઠકો યોજી સરહદી સુરક્ષા, પાયાની સુવિધાઓ અને ગ્રામજનોની સમસ્યાઓની કરી સમીક્ષા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદેશ અનુસાર ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને સરહદી ગામોના નાગરિકોની સમસ્યાઓ જાણવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બે દિવસીય પ્રવાસ હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત વાગડ વિસ્તારનાં સરહદી ગામોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મુલાકાત લઈ ગ્રામજનો સાથે ખાટલા બેઠકો યોજી સ્થાનિક પ્રશ્નો અને પાયાની સુવિધાઓ અંગે સીધી માહિતી મેળવી હતી.

વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ, કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમાર, ખડીર પીઆઈ એ.જે. પરમાર અને એલઆઈબી પીઆઈ વાળા સહિતના અધિકારીઓએ ખડીર વિસ્તારનાં કલ્યાણપર અને બાંભણકા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી શાળા, આરોગ્ય, શિક્ષણ, રસ્તા સહિતની સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ જાણી હતી.

જ્યારે રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના ધબડા અને વેરસરા ગામે જામનગરના એસપી ડૉ. રવિમોહન સૈની, સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના ભુજના એસપી અંશુમાન જૈન, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયા, પીઆઈ એમ.જી. પરમાર, આઈબી પીઆઈ મુકેશ સુથાર અને આઈબીના ઇન્ચાર્જ પ્રવીણભાઈ ડાંગર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. અહીં પણ રાત્રિ રોકાણ સાથે ખાટલા બેઠકો યોજી ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. ગ્રામજનોએ મોબાઈલ ટાવર, આરોગ્ય સેવા, શિક્ષણ, રસ્તા અને પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ અંગેની સમસ્યાઓ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. અધિકારીઓએ ગામોમાં ફરજ બજાવતા તલાટી, શિક્ષકો, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ ઉપરાંત ભરતકામ કરતી મહિલાઓનાં ઘરે જઈ તેમની સાથે સંવાદ સાધ્યો હતો.

સરહદી ગામોના નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા, સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા તેમજ યુવાનોને સરહદી સુરક્ષાના કાર્યમાં સ્થાનિક પોલીસ અને સરહદી સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન જાળવવા અધિકારીઓએ અનુરોધ કર્યો હતો.

અધિકારીઓ સરહદી ગામોમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે સરહદી વિસ્તારની વિવિધ બોર્ડર આઉટપોસ્ટ (બીઓપી), ચોકીઓ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેશે. ત્યારબાદ સમગ્ર પ્રવાસ દરમિયાન મેળવેલી માહિતી અને ગ્રામજનોની રજૂઆતોના આધારે સરકારને અહેવાલ સુપરત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:50 AM IST)