<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

અમરેલી નજીક ચાલતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો: આગળનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ

સાબરમતી-વેરાવળ રૂટ પર લાઠી અને ખીજડિયા વચ્ચે અસામાજિક તત્વોએ હુમલો કરતા રેલવે તંત્ર હરકતમાં, RPF દ્વારા સઘન તપાસ શરૂ

અમરેલી: ગુજરાતમાં રેલવે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા કરતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં સાબરમતીથી વેરાવળ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સો દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લાઠી અને ખીજડિયા સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના એક કોચના આગળના ભાગનો કાચ ધડાકાભેર તૂટી ગયો હતો. જોકે, સદનસીબે આ હુમલામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈપણ પ્રવાસીને ઈજા પહોંચી ન હતી, અને ઘટના બાદ ટ્રેનને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ જ્યારે અમરેલી જિલ્લાના લાઠી અને ખીજડિયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા તત્વોએ તેના પર પથ્થરો ફેંક્યા હતા. અચાનક થયેલા આ હુમલાને કારણે ટ્રેનના આગળના ભાગમાં આવેલા કાચને મોટું નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારાની આ ઘટનાથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે, કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ તુરંત સક્રિય બની હતી. લાઠી પોલીસ તેમજ રેલવે સુરક્ષા દળ (RPF) ના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ધોળા RPF ગોલકરે જણાવ્યું હતું કે ટ્રેન પર પથ્થરમારાની માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં મુસાફરોમાંથી કોઈએ પથ્થર ફેંકનાર શખ્સોને જોયા ન હોવાનું સામે આવ્યું છે, પરંતુ ટ્રેનનો કાચ તૂટવાની પુષ્ટિ થઈ છે.

આ અગાઉ પણ દેશના વિવિધ રૂટ પર વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ બની ચૂકી છે, જેને પગલે રેલવે પ્રશાસન દ્વારા હવે ટ્રેકની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાનો નિર્ણય લેવાયો છે. લાઠી અને ખીજડિયા વચ્ચેના આ વિસ્તારમાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સોની ઓળખ કરવા અને કસૂરવારોને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવી શકાય.

(3:10 PM IST)