News of Wednesday, 16th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જનસેવાના વિવિધ ૨૫ સેવા કાર્યોનું આયોજન
નરેન્દ્રભાઈની જાહેર જીવનની ૨૫ વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણીનો અનોખો પ્રયાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર જીવનની ૨૫ વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ સેવાલક્ષી અને લોકભાગીદારી આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત જનભાગીદારી સાથે વિવિધ ૨૫ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
“સેવા પરમો ધર્મઃ”ના ભાવને સાકાર કરતી આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોને સાથે જોડીને સેવા, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, જાગૃતિ અને સામાજિક જવાબદારીના કાર્યોને પ્રોત્સાહન આપવાનો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ સહિત સમગ્ર રાજ્ય અને કચ્છ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. મારૂ યોગદાન અંતર્ગત વિવિધ સેવા પ્રવૃતિઓ જિલ્લામાં કરવામાં આવશે. જેમાં જન સહયોગીઓ પણ કોઈ પણ એક સેવાકાર્ય પસંદ કરી સકે છે. સેવા મારૂ યોગદાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
*આ અભિયાન અંતર્ગત ૨૫ સેવા પ્રવૃત્તિઓ યોજાશે*
૧. રક્તદાન શિબિર – જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કરી જીવન બચાવવાના સેવાકાર્યમાં સહભાગી બનવું.
૨. અનાથાશ્રમ/વૃદ્ધાશ્રમની મુલાકાત – વૃદ્ધજનો તથા નિરાધાર લોકો સાથે સમય વિતાવી તેમને આત્મીયતા અને સહકાર પૂરો પાડવો.
૩. વૃક્ષારોપણ અભિયાન – પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવું.
૪. સ્વચ્છતા એ જ સેવા – જાહેર સ્થળો, શાળા, આંગણવાડી, ધાર્મિક સ્થળો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવું.
૫. આરોગ્ય તપાસ શિબિર– નાગરિકોના આરોગ્યની તપાસ અને જરૂરી આરોગ્ય જાગૃતિ માટે કેમ્પનું આયોજન કરવું.
૬. “એક ગામ દત્તક લો – સેવા કાર્ય” – ગામના વિકાસ અને જરૂરિયાત મુજબ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવી.
૭. યોગ અને ધ્યાન સત્ર – શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ તથા ધ્યાન અંગે જાગૃતિ ફેલાવવી.
૮. પ્લાસ્ટિક-મુક્તિ જાગૃતિ – સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવા જનજાગૃતિ કરવી.
૯. મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા – મહિલાઓમાં આરોગ્ય, પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી.
૧૦. વંચિત બાળકોને શિક્ષણ સહાય – જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી અને અભ્યાસ માટે જરૂરી સહયોગ પૂરો પાડવો.
૧૧. કારકિર્દી માર્ગદર્શન (કેરિયર કાઉન્સેલિંગ) સત્ર – યુવાનોને અભ્યાસ, રોજગાર અને કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવું.
૧૨. વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા – વડીલોને ડિજિટલ સાધનો અને વિવિધ ડિજિટલ સેવાઓના ઉપયોગ અંગે માહિતગાર કરવા.
૧૩. અંગદાન સંકલ્પ અભિયાન – અંગદાનના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવી નાગરિકોને અંગદાન માટે સંકલ્પબદ્ધ કરવા.
૧૪. નશામુક્ત ભારત જાગૃતિ – યુવાનો અને સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવી સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંદેશો પહોંચાડવો.
૧૫. પોષણ અને એનિમિયા જાગૃતિ– કિશોરીઓ, મહિલાઓ અને બાળકોમાં પોષણ તથા એનિમિયા અંગે જાગૃતિ લાવવી.
૧૬. માર્ગ સલામતી જાગૃતિ – ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ સહિત માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કરવી.
૧૭. જળ સંરક્ષણ અને જળ સ્ત્રોત સફાઈ– પાણીનો બગાડ અટકાવવા તેમજ તળાવ, કૂવા અને અન્ય જળસ્ત્રોતોની સ્વચ્છતા માટે કામગીરી કરવી.
૧૮. કચરાનું વર્ગીકરણ અને કમ્પોસ્ટિંગ – ભીના અને સૂકા કચરાનું અલગ-અલગ વર્ગીકરણ તથા ઘરેલું કમ્પોસ્ટિંગ અંગે જાગૃતિ લાવવી.
૧૯. સાયબર સુરક્ષા જાગૃતિ – ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડ અને ડિજિટલ સુરક્ષા અંગે નાગરિકોને સાવચેત કરવા.
૨૦. ફિટ ઇન્ડિયા રમતગમત સત્ર – રમતગમત અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવું.
૨૧. વીર ગાથા અને સૈનિક સન્માન – દેશની સુરક્ષા માટે સેવા આપનારા સૈનિકો તથા વીર શહીદોના બલિદાનને નમન કરી સન્માન આપવું.
૨૨. દિવ્યાંગજન સહયોગ પ્રવૃત્તિ – દિવ્યાંગજનોને જરૂરી સહાય અને સહયોગ પૂરો પાડી તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા પ્રયાસ કરવો.
૨૩. મતદાતા જાગૃતિ અને નોંધણી – મતદાનના અધિકાર તથા લોકશાહી પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવી નવા મતદારોની નોંધણીને પ્રોત્સાહિત કરવી.
૨૪. વોકલ ફોર લોકલ સહયોગ – સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ, ગૃહઉદ્યોગો તથા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું.
૨૫. સરકારી યોજનાઓ અંગે જાગૃતિ – કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવી અને પાત્ર લાભાર્થીઓને લાભ મેળવવા માર્ગદર્શન આપવું.
“સેવા સંકલ્પ અભિયાન” માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ માટે કંઈક કરવાની ભાવનાને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ છે. સમાજના દરેક વર્ગના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ ઉપરોક્ત ૨૫ પ્રવૃત્તિઓમાંથી કોઈપણ એક સેવા કાર્ય પસંદ કરીને તેમાં સક્રિય સહભાગી બની શકે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ની ભાવનાને સાકાર કરવા માટે દરેક નાગરિક પોતાની ક્ષમતા અને સમય મુજબ સેવા કાર્યમાં જોડાય અને “સેવા માટે યોગદાન”ના સંકલ્પને સાકાર કરે તેવો અનુરોધ કરવામાં આવે છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
