<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

જેતપુરમાં લેન્‍સકાર્ટના વિવાદાસ્‍પદ નિયમ સામે વિહિપ-બજરંગ દળનો

વિરોધઃ કર્મચારીઓને તિલક કરી શોરૂમ બહિષ્‍કારની અપીલ કંપનીએ હિન્‍દુ પ્રતીકો પર પ્રતિબંધ મૂકયો હતો, નિયમ રદ કરવા છતાં વિરોધ યથાવતઃ સનાતની બહિષ્‍કાર કરે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૧: જેતપુરમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા ચશ્‍માના શોરૂમ લેન્‍સકાર્ટના વિવાદાસ્‍પદ નિયમનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યો હતો. કાર્યકરોએ શોરૂમ પર પહોંચી તમામ કર્મચારીઓને તિલક કરી શોરૂમનો બહિષ્‍કાર કરવાની ગ્રાહકોને અપીલ કરી હતી.

ચશ્‍માના શોરૂમ લેન્‍સકાર્ટની ફ્રેન્‍ચાઈઝી દેશભરમાં ફેલાયેલ છે. આ શોરૂમમાં કામ કરતા કર્મચારીઓ માટે કંપની દ્વારા એક નિયમ બનાવવામાં આવ્‍યો હતો. જેમાં હિન્‍દુ કર્મચારીઓ માટે હાથમાં કાંડુ, માથા પર તિલક, બિંદી નહિ લગાવવાની, શિખા નહિ રાખવાની, ગળામાં રુદ્રાક્ષ કે તુલસીની માળા કે મંગળસૂત્ર નહિ પહેરવાનું તેમજ સેથો નહિ ભરવાનો આદેશ હતો. જ્‍યારે અન્‍ય ધર્મ માટે તેમના ધર્મના ઙ્કતીકો માટે છૂટછાટ આપવામાં આવી હતી.

આ નિયમો જ્‍યારે બહાર આવ્‍યા ત્‍યારે દેશભરમાં હોબાળો મચી ગયો હતો. કંપનીના માલીક પવન બંસલ દ્વારા આ નિયમો હવે રદ કરવામાં આવ્‍યા છે તેવું જાહેર કર્યું હોવા છતાં તેની સામે હિન્‍દુ સંગઠનોનો વિરોધ વંટોળ વધતો જ જાય છે. શહેરમાં વિહિપ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા જૂનાગઢ રોડ પર એકઠા થઈ જય શ્રીરામ, હરહર મહાદેવના સુત્રોચ્‍ચાર પોકારતા શોરૂમ પર ગયા હતા અને ત્‍યાં જઈ પ્રથમ તમામ કર્મચારીઓને માથા પર તિલક લગાવ્‍યા હતા. કાર્યકરોએ જણાવ્‍યું કે આવી જોહુકમી ભારતમાં નહી ચાલે. જો હિન્‍દુ વિરોધી નિયમો બનાવવા હોય તો કંપનીએ કર્મચારીઓ માટે બનાવેલ નિયમો જે ગ્રાહક પાળશે તેઓએ જ ખરીદી માટે આવવું તેવું જાહેર કરવું જોઇએ. આ શોરૂમનો દરેક સનાતની બહિષ્‍કાર કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી

(1:28 PM IST)