<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

કચ્છના રાપર મધ્યે શરદપૂર્ણિમાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

સાંસ્કૃતિક કાર્યક્રમ, આશીર્વચન અને પથસંચલનમાં સ્વયંસેવકો સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ :  શરદપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાપર નગર દ્વારા વિજયાદશમી ઉત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રમાં સાંસ્કૃતિક મૂલ્યોના આધારે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે, સમાજમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર થાય તથા સમગ્ર સમાજનો સક્રિય સહયોગ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યાં હતાં. મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત શિક્ષક યોગેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય વક્તા તરીકે પૂર્વ કચ્છના સામાજિક સદ્ભાવ સંયોજક વેલજીભાઈ વરચંદે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પથસંચલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ સ્વામિનારાયણ મંદિર ખાતેથી થયો હતો. આ ઉત્સવમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, અનોપસિંહ વાઘેલા, ભિખુભા સોઢા, સહદેવસિંહ જાડેજા, લાલજી કારોત્રા, સુચિતાબેન જોશી, મોંઘીબેન બેરા તથા રમેશભાઈ સાધુ સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તથા નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાપર નગરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:25 AM IST)