<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

સુરેન્‍દ્રનગરમાં વ્‍યાજખોરીમાં ફસાતાં રિક્ષાચાલકે ઝેર પીધું

પ્રકાશભાઇ વાઘેલા રાજકોટ ખાતે સારવાર હેઠળઃ ત્રણેક વ્‍યાજખોરોએ લાખો વસુલી લખાણ કરાવી લીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૬: વ્‍યાજખોરીના વધુ એક કિસ્‍સામાં એક વ્‍યક્‍તિને ઝેર પીવા મજબૂર થવું પડયું છે. સુરેન્‍દ્રનગર ખાતે કૃષ્‍ણનગરમાં રહેતાં પ્રકાશભાઇ મંગાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાને ગઇકાલે ઘરે કપાસમાં છાંટવાની દવા પી લેતાં સુરેન્‍દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સુરેન્‍દ્રનગર એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

પ્રકાશભાઇ બે બહેનથી મોટા છે અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે મારે અગાઉ પૈસાની જરૂર પડતાં એક વ્‍યક્‍તિ પાસેથી સાડા ત્રણ લાખ લઇ રોજના ૧૫૦૦ લેખે વ્‍યાજ ભર્યુ હતું. લાખો રૂપિયા ભરપાઇ કર્યા છે છતાં હવે તેણે આઠ લાખનું લખાણ કરાવ્‍યું છે અને હજુ વધુ વ્‍યાજ માંગે છે. બીજા એક મહિલા પાસેથી બે લાખ ત્રીસ હજાર લઇ તેને પણ રોજના ૧૨૦૦થી લઇ ૨૩૦૦ સુધીનું વ્‍યાજ ભર્યુ છે. તે પણ હજુ વધુ વ્‍યાજની ઉઘરાણી કરી હેરાન કરે છે. આથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. સુરેન્‍દ્રનગર પોલીસે રાજકોટ આવી નિવેદન નોંધવા હકિકત જાણવા તજવીજ હાથ ધરી હતી.

(11:33 AM IST)