<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ઉનાના ગામોમાં માલણ નદીના પાણી ઘરોમાં ઘુસ્‍યાઃ લોકોનું સ્‍થળાંતરઃ વીજ કરંટથી દીપડાનું મોત

ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા નદીએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યુઃ જનજીવન ખોરવાયું

ગીરઃ  ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉનાની માલણ નદીમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ગામોમાં ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે. બીજી તરફ જિલ્લાના મિતિયાજ ગામે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના પણ બની છે. જેમાં વીજ કરંટ લાગતાં એક દીપડાનું મોત થયું છે. ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે.

ઉનાની માલણ નદીમાં આવેલા પૂરના કારણે નદીના પુલ પર ફરી પાણી વહી રહ્યા છે. સનખડા અને ખત્રીવાડા વચ્ચે આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. માલણ વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ડૂબી જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉભા પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. નદીમાં સતત પાણીની આવકને કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

માલણ નદીના પાણી ઉનાના ગાંગડા ગામમાં ઘૂસી જતાં મોડી રાત્રે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉના ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે જોખમી વિસ્તારમાં રહેતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યા હતા. સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. હાલ પણ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને નદી તથા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.

આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના મિતિયાજ ગામેથી વન્યજીવ પ્રેમીઓને દુઃખી કરી દે તેવા સમાચાર પણ સામે આવ્યા છે. વાડી વિસ્તારમાં ઝાડ પર ચઢેલા એક દીપડાને 11 કે.વી. વીજ લાઈન અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જામવાળા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાના મોત અંગે તપાસ શરૂ કરી છે. ભારે વરસાદ અને કુદરતી પરિસ્થિતિ વચ્ચે બનેલી આ ઘટના વન્યજીવો માટે પણ જોખમ ઉભું કરતી હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

(12:54 PM IST)