તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ભાવનગરના મહુવામાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ : એક વ્યક્તિનું મોત :ત્રણથી ચાર લોકોને ગંભીર ઈજા
ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભોળાભાઈ ચાવડાનું મોત થયું :અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:બનાવની જાણ થતાં મહુવા ટાઉન પોલીસ હોસ્પિટલ દોડી

ભાવનગર જિલ્લાના મહુવામાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને બંને પક્ષો સામસામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ બબાલ દરમિયાન ત્રણથી ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભોળાભાઈ ચાવડાનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહુવામાં અગાઉના ઝઘડાને લઈને બંને પક્ષો વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. આ જૂની અદાવતના કારણે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ અથડામણ થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતાં મારામારીની ઘટના બની હતી. આ અથડામણમાં ત્રણથી ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અથડામણ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભોળાભાઈ ચાવડાનું મોત થયું છે. હત્યાના આ બનાવને પગલે મહુવા પંથકમાં ચકચાર મચી છે. જૂની અદાવતના કારણે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિનું જીવ ગુમાવવું પડતાં મામલો વધુ ગંભીર બન્યો છે. જોકે, અથડામણ કયા કારણોસર શરૂ થઈ અને બંને પક્ષો વચ્ચે અગાઉ કયા મુદ્દે વિવાદ થયો હતો તેનું કારણ હજું અકબંધ છે.
ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને પગલે તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે. બનાવની જાણ થતાં મહુવા ટાઉન પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
