News of Monday, 13th July 2026
જામનગરના ફલ્લા ગામે ઉંબરાના ઝાડમાંથી પાણી નીકળવાનો વાયરલ વિડીયો ખોટો : સરપંચે ખુલાસો કરીને અફવાનું કર્યું ખંડન
પાઈપલાઈન ઝાડના થડમાં સમાઈ જતાં નળ ફિટ કરાયો હતો : કોઈ ચમત્કાર નથી, ગ્રામ પંચાયતે નાગરિકોને અંધશ્રદ્ધા ફેલાવતા વીડિયો શેર ન કરવાની કરી અપીલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩ : હાલમાં સોશિયલ મીડિયા પર જામનગર જિલ્લાના ફલ્લા ગામનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગામમાં આવેલા એક ઉંબરાના વૃક્ષના થડમાંથી કુદરતી રીતે પાણીની ધારાઓ વહી રહી છે અને ત્યાં નળ પણ મુકવામાં આવ્યો છે. આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચમત્કાર અને અંધશ્રદ્ધા અંગેની અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
જોકે આ દાવો તદ્દન ભ્રામક અને પાયાવિહોણો હોવાનું ગામના સરપંચે સ્પષ્ટ કર્યું છે. ફલ્લા ગામના સરપંચ શ્રી કમલેશભાઈ ઘમસાળીયાએ "અકિલા" સાથેની વાતચીતમાં સમગ્ર હકીકત જણાવી હતી. તેમણે કહ્યું કે "વૃક્ષમાંથી પાણી નીકળવાની વાત સંપૂર્ણપણે અફવા છે. આ કોઈ ચમત્કાર નથી."
સરપંચના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા જ્યારે આ જગ્યાએ ઉંબરાનું નાનું ઝાડ રોપવામાં આવ્યું હતું, ત્યારે તેની બાજુમાંથી જ ગામની પાણીની પાઈપલાઈન પસાર થતી હતી. સમય જતાં ઝાડ મોટું થતું ગયું અને કુદરતી રીતે પાઈપલાઈન ઝાડના જાડા થડની અંદર દબાઈ ગઈ. બાદમાં તે જ પાઈપલાઈનમાંથી જોડાણ બહાર કાઢીને થડમાં નળ ફિટ કરવામાં આવ્યો છે. જેમાંથી નિયમિત રીતે પાણી આવે છે. લોકોએ આ સામાન્ય બાબતને ચમત્કાર તરીકે રજૂ કરીને વીડિયો વાયરલ કર્યો છે.
ફલ્લા ગ્રામ પંચાયત દ્વારા આ અંગે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ચકાસણી વગર આવતા આવા અંધશ્રદ્ધા પ્રેરિત અને ચમત્કારિક દાવાઓ વાળા વીડિયો પર વિશ્વાસ ન કરવો. ઉપરાંત આવી અફવાઓને આગળ ફોરવર્ડ કરીને સમાજમાં ગેરસમજ ફેલાવવી નહીં.
વહીવટી તંત્રએ પણ લોકોને અનુરોધ કર્યો છે કે કોઈપણ માહિતીને શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવી જરૂરી છે. અફવાઓથી બચીને જ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા ભજવી શકાય.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
