<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

વિસાવદર ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ સામે કર્યો કડક આદેશ : ૩૬ મહિના અને ૧૨ દિવસની સાદી કેદની સજા ફટકારી રાજકોટ પોલીસને વોરંટ બજાવવા આદેશ

અમરગઢની કિંજલબેન ભટ્ટની અરજી પર ફેમિલી કોર્ટના ન્યાયાધીશ શ્રી પ્રેમ હંસરાજ સિંહ દ્વારા મહત્વનો ચુકાદો : રાજકોટના રક્ષીતભાઈ ભટ્ટે ૩૦,૦૦૦ રૂપિયા માસિક લેખે ૩૮ મહિનાના ભરણપોષણની કુલ ૧૧,૦૧,૦૦૦ રૂપિયાની રકમ ચૂકવવામાં કસૂર કરતા જેલ ભેગા કરવાનો હુકમ : આગામી ૨૩ ડિસેમ્બરે અહેવાલ રજૂ કરવા પોલીસને તાકીદ

રાજકોટ : વિસાવદર ખાતે કાર્યરત ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના એક મહત્વપૂર્ણ કેસમાં કડક અને દાખલારૂપ હુકમ કરવામાં આવ્યો છે. અદાલતના આદેશ મુજબ નિયમિત રીતે માસિક ભરણપોષણની રકમ ન ચૂકવનાર અને કાનૂની પ્રક્રિયાથી નાસતા ફરતા પતિ સામે કોર્ટે ૧૦૯૧ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અમરગઢ ગામની રહેવાસી કિંજલબેન રક્ષીતભાઈ ભટ્ટ (ઉ.વ. ૩૬) દ્વારા સામાવાળા રક્ષીતભાઈ રમેશભાઈ ભટ્ટ (રહે. રાજકોટ, યોગી નગર, યુનિવર્સિટી રોડ) સામે ભરણપોષણ મેળવવા માટે ફોજદારી અપીલ અરજી નંબર ૮૬/૨૦૨૪ (જુનો ફોજદારી અપીલ અરજી નંબર ૫૧/૨૦૨૩) દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી હાથ ધરીને ફેમિલી કોર્ટે ગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સામાવાળા રક્ષીતભાઈ રમેશભાઈ ભટ્ટ સામે અરજીની તારીખથી દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા ભરણપોષણ પેટે તેમજ અરજી ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો.

કોર્ટના આ આદેશ મુજબ તા. ૨ ઓગસ્ટ ૨૦૨૩ થી તા. ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના કુલ ૩૮ મહિના (૩ વર્ષ અને ૨ મહિના) ના સમયગાળા માટે માસિક ૩૦,૦૦૦ રૂપિયા લેખે કુલ ૧૧,૪૦,૦૦૦ રૂપિયા સામાવાળા પાસેથી વસૂલ કરવાના થતા હતા. સામાવાળા તરફથી અગાઉ વચગાળાના ભરણપોષણ પેટે ૪૯,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાથી, તે રકમ બાદ કરતા હાલમાં કુલ ૧૦,૯૧,૦૦૦ રૂપિયા ભરણપોષણના અને ૧૦,૦૦૦ રૂપિયા અરજી ખર્ચના મળીને કુલ ૧૧,૦૧,૦૦૦ રૂપિયા વસૂલ લેવાના બાકી નીકળતા હતા.

સામાવાળા રક્ષીતભાઈ રમેશભાઈ ભટ્ટે અદાલતના હુકમ મુજબની રકમ ભરપાઈ ન કરતા અરજદાર કિંજલબેન ભટ્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ની કલમ ૧૪૪(૩) હેઠળ ચડત ભરણપોષણની રકમ વસૂલ મેળવવા માટે ફોજદારી વસુલાત અરજી નંબર ૨૧૬/૨૦૨૬ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા સામાવાળાને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેઓ નોટિસ સ્વીકારવાનું ટાળતા હતા અને નોટિસ 'રીફ્યુઝ્ડ' કે 'અનકલેઈમ્ડ' શેરા સાથે પરત આવતી હતી તથા સામાવાળા કોર્ટ સમક્ષ હાજર ન રહી કસૂર કરતા હતા.

અરજદારના વકીલ દ્વારા સામાવાળા સામે કેદની સજા કરવા માટે લેખિત પૂર્સીસ અને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને ફેમિલી કોર્ટના ન્યાયાધીશ શ્રી પ્રેમ હંસરાજ સિંહ દ્વારા નોંધવામાં આવ્યું કે ભરણપોષણ ન ચૂકવવું એ સતત ચાલુ રહેતી જવાબદારી છે અને સામાવાળા જાણી જોઈને અદાલતી બજવણી ટાળી રહ્યા છે.

તદનુસાર, ફેમિલી કોર્ટ દ્વારા તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આખરી હુકમ ફરમાવવામાં આવ્યો છે. હુકમ મુજબ ૩૬ મહિના અને ૧૨ દિવસના માસિક ૩૦,૦૦૦ રૂપિયા લેખે ૧૦,૯૧,૦૦૦ રૂપિયા તથા મૂળ અરજી ખર્ચના ૧૦,૦૦૦ રૂપિયા મળી કુલ ૧૧,૦૧,૦૦૦ રૂપિયા ચૂકવવામાં કસૂર કરવા બદલ ૩૬ મહિના અને ૧૨ દિવસના હિસાબે કુલ ૧૦૯૧ દિવસની સાદી કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો છે.

કોર્ટે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને આ કેદનું વોરંટ બજાવી સામાવાળાની અટકાયત કરી જિલ્લા જેલમાં મોકલી આપવા અને આગામી ૨૩ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ કે અગાઉ વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. જો વોરંટની બજવણી ન થઈ શકે તો સંબંધિત પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને કોર્ટમાં લેખિત સ્પષ્ટતા સાથે હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.

(10:36 AM IST)