News of Thursday, 24th September 2026
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની વિધાનસભામાં કરેલી રજૂઆત રંગ લાવી : જુઓ વિડીયો
ભેંસાણના લાલીધારપરા ગામમાં આઝાદી બાદ પહેલીવાર વિજળી આવી : રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ગ્રામજનોના હિતમાં ઘરવપરાશ માટે વીજળીના કનેક્શન આપવા કામગીરી કરતા આગેવાનો,ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો

રાજકોટ તા.૨૪ : જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના લાલીધારપરા ગામમાં આઝાદી પછી પહેલીવાર ઘરવપરાશ માટે વીજળીના કનેક્શન આપવામાં આવ્યા છે. વર્ષોથી આ ગામમાં ઘરવપરાશની લાઈટ ન હોવાથી ગ્રામજનો અંધારામાં જીવન વિતાવતા હતા.પરંતુ આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાએ કરેલી રજૂઆત રંગ લાવી છે. અને ગામમાં વિજળી આવી ગઈ છે
આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર જ્યારે લાલીધારપરા ગામની મુલાકાતે ગયા હતા ત્યારે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે વર્ષોથી આ ગામમાં કોઈ ધારાસભ્ય આવ્યા નથી, તેથી તમે આવ્યા છો તો અમારા ગામમાં લાઈટની વ્યવસ્થા કરાવી આપો.
આ રજૂઆત બાદ ફેબ્રુઆરી મહિનાના બજેટ સત્રમાં ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે સરકારી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ગઈકાલે સમગ્ર ગામમાં ઘરવપરાશના વિજ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. આઝાદી પછી પહેલીવાર ગામમાં લાઈટ આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે અને ગામના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાનો આભાર વ્યક્ત કર્યો છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
