<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

કેશોદના મોટાભાગના વિસ્‍તારને જ્‍યાંથી પાણી પૂરુ પાડવામાં આવે છે તે બગીચામાં સહેલાણીઓ માટે પીવાનું પાણી દુર્લભ !!

લોકો કહે છે કે, વિચિત્રતા તો જુઓ, કેશોદમાં ૩ાા કરોડ ના ખર્ચે બગીચો તો ચમકાવ્‍યો પણ ગાર્ડનમાં ફરવા આવનાર લોકો માટે પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવાનુંજ તંત્ર ભૂલી ગયું ! રીનોવેશન બાદ ઉદ્યાન ખુલ્લો મુકાયાને પોણા બે વર્ષ થયા છતાં અત્‍યંત જરૂરી પાણીની પ્રાથમિક સુવિધાનો અભાવ વારંવાર બગીચામાં સહેલવા આવતા તંત્ર વાહકો, નેતાઓ, અગ્રણીઓની નજરે ન ચડતા લોકોમાં આશ્‍ચર્ય!

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૮: મોટાભાગના વિસ્‍તારને જ્‍યાંથી પાણી પૂરુ પાડવામાં આવે છે તે બગીચામાં સહેલાણીઓ માટે પીવાનું પાણી દુર્લભ બનતા શહેરીજનોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ અંગે લોકો ટિપ્‍પણી કરતા કહે છે કે, વિચિત્રતા તો જુઓ, કેશોદ માં અંદાજે ૩ાા કરોડ જેવા ખર્ચે બગીચો તો ચમકાવ્‍યો પણ ગાર્ડનમાં ફરવા આવનાર લોકો માટે પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવાનુંજ તંત્ર ભૂલી ગયું!

અંદાજે એક લાખ જેવી વસ્‍તી ધરાવતા કેશોદ શહેરમાં હરવા-ફરવા તથા મનોરંજન માટે   એકમાત્ર આંબાવાડી ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્‍યાય ઉદ્યાન આવેલો છે. સ્‍થાનિક નગર પાલીકા હસ્‍તકના આ વર્ષો જુના  બગીચાનું  રૂપિયા  ૩.૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરાવી સમયની માંગ મુજબ સામાન્‍ય રીતે બગીચામાં હોવી જોઈએ તેવી ઠીક ઠીક સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. આજથી લગભગ પોણા બે વર્ષ પૂર્વે ૯ માર્ચ ૨૦૨૫ ના રોજ કેન્‍દ્રીય આ વિસ્‍તારના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી તથા સ્‍થાનિક ધારાસભ્‍ય ની ઉપસ્‍થિતિમાં શહેરીજનો માટે બગીચો પુનઃ ખુલ્લો મુકવામાં આવેલ. પરંતુ કડવી સત્‍ય હકીકત એ છે કે, આ ગાર્ડનમાં ફરવા આવતા લોકોને આજ દિન સુધી પીવાના પાણીનું સુખ સાંપડેલ નથી! 

બીજી તરફ રીનોવેશન બાદ ઉદ્યાન ખુલ્લો મુકાયા ને આજે લગભગ પોણા બે વર્ષ જેવો સમય થવા છતાં અત્‍યંત જરૂરી પાણીની પ્રાથમિક સુવિધા નો અભાવ  બગીચામાં  સહેલવા આવતા અથવા તો વારંવાર યોજાતા સરકારી-બિનસરકારી કાર્યક્રમો મા હાજરી આપવા આવતા તંત્ર વાહકો, નેતાઓ, અગ્રણીઓ ની નજરે ન ચડતા લોકો આヘુર્ય અનુભવી રહેલ છે!

આ અંગે સ્‍થિતિ ની ગંભીરતા ને ધ્‍યાને લઈ આગામી ૧ ડિસેમ્‍બર સુધીમાં બગીચામાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્‍ધ કરવાની માંગણી સાથે અત્રેના એક્‍ટિવિસ્‍ટ અને સામાજિક કાર્યકર હરસુખભાઈ સિદ્ધપરાઈ એ  ફેસબુક પર એક પોસ્‍ટ વાઇરલ કરી તંત્ર તથા લોકોનું ધ્‍યાન દોરેલ છે. શ્રી સિધ્‍ધપરા ના જણાવ્‍યા મુજબ કેશોદ શહેરમાં ફરવા  કે અન્‍ય મનોરંજન માટે આ એકમાત્ર જાહેર સ્‍થળ (બગીચા) સિવાય અન્‍ય કોઈ વિકલ્‍પ ન હોય આ બગીચામાં લોકો બાળકો સહિત પરિવાર સાથે ફરવા તથા આનંદ માણવા આવે છે. બીજી તરફ દરરોજ વહેલી સવારે તથા રાત્રિના ખાસ ચાલવા   (વોકિંગ કરવા) વાળો વર્ગ પણ મોટા પ્રમાણમાં આવે છે. આ ઉપરાંત આસપાસના શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તાર ના લોકો જ્‍યારે કેશોદ માં આવે છે ત્‍યારે આ બગીચાની અચૂક મુલાકાત લે છે. આ બગીચો પાણીની સુવિધાથી વંચિત હોય સહેલાણીઓ એ  પાણીની તળષા છીપાવા માટે ફરજિયાત ઘરેથી પાણી ની બોટલ લઈ આવવી પડે છે અથવા તો ના છૂટકે બજારમાંથી ૧૦ થી ૨૦ રૂપિયા ની પાણી ની બોટલ ખરીદવા ની ફરજ પડે છે. ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે  બગીચા ના રીનોવેશન માટે કરોડો નો તોતિંગ ખર્ચો કરનાર તંત્ર ને જરૂરી પીવાના પાણી ની મહત્‍વપૂર્ણ સુવિધા ઉપલબ્‍ધ કરવાનો વિચાર સુધ્‍ધા આજ દિન સુધી આવ્‍યો નથી !

 અત્રે નોંધનીય છે કે, બગીચા માં આવેલ વિપુલ જથ્‍થામાં પાણી સંગ્રહ કરવા માટેનો એક સંપ તથા કૂવા ના માધ્‍યમથી નળ દ્વારા શહેરના કેટલાય વિસ્‍તારોમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે, જ્‍યાંથી મોટાભાગના શહેરની તરસ છીપવામાં આવે છે તે  બગીચામાં જ  મુલાકાતીઓ તરસ્‍યા રહે છે !! ત્‍યારે અહીં ‘દીવા તળે અંધારા' ની કહેવત સાર્થક ઠરતી હોય તેવું સ્‍થિતિ પરથી જણાઈ રહેલ છે!

દરમિયાન આ અંગે  ચીફ ઓફિસર શ્રી ભાવિનભાઈ કાંધાણીનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ  જણાવેલ હતું કે, લોકોને બગીચામાં પીવાના પાણી માટે ટૂંક સમયમાં જ આર.ઓ.પ્‍લાન્‍ટની  વ્‍યવસ્‍થા કરવામાં આવશે

(10:40 AM IST)