<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જામનગરમાં જળ સંકટ વચ્‍ચે પાણીનો વેડફાડ

વોટર વર્કસ વિભાગ દ્વારા ગોકુલનગર ઝોનમાં સઘન ઝુંબેશઃ ૧૪૩ નોટિસ, ૪૧,૦૦૦નો દંડ અને ૩ કનેક્‍શન કાપ્‍યા

જામનગર,તા.૪: હાલમાં પ્રવર્તી રહેલી જળ સંકટની ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. મ્‍યુનિસિપલ કમિશનર તથા ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, વોટર વર્કસ વિભાગના ગોકુલનગર ઝોન વિસ્‍તારમાં તંત્ર દ્વારા પ્રશંસનીય અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર અલ્‍પેશ ચારણીયાની સીધી સૂચના  હેઠળ, જુનિયર ઇજનેર વિક્રમભાઈ ગરૈયા તથા તેમની ટીમે આ કામગીરી હાથ ધરી છે.

આ ઝુંબેશ અંતર્ગત વોટર વર્કસ વિભાગે લાલ આંખ કરી ગોકુલનગર ઝોનમાં પાણીનો વેડફાડ કરતા આસામીઓ સામે સખત પગલાં લીધા છે. તંત્ર દ્વારા ચેકિગ દરમિયાન પાણીનો બગાડ કરતા આસામીઓને કુલ ૧૪૩ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્‍લંઘન કરી પાણીનો વેડફાડ કરતા લોકો પાસેથી કુલ ૪૧,૦૦૦ રૂપિયાના દંડની રકમ પણ ભરપાઈ કરાવવામાં આવી છે. આટલું જ નહીં, પાણીના બગાડ અંગે કડક દાખલો બેસાડવા માટે તંત્ર દ્વારા ૩ આસામીઓના નળ કનેક્‍શન પણ કાપી નાખવામાં આવ્‍યા છે.

(1:19 PM IST)