<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સાથે મળી સંકલ્પબદ્ધ બનીએ : સાંસદ વિનોદ ચાવડા

પોતાના વતન કચ્છના સુખપર (રોહા) ગામે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દીપોત્સવી સ્નેહમિલન, પટકોરી અને ડાયરાનો કાર્યક્રમ યોજાયો, કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ સંગઠનના અરુણજી, અનિરુદ્ધ દવે સહિતના રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : મોરબી-કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના યજમાનપદે તેમના માદરે વતન સુખપર (રોહા) ગામે શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે દીપોત્સવ અને નૂતન વર્ષની પાવન અવસરે પાટકોરી, સ્નેહમિલન, લોકડાયરો તેમજ સ્નેહભોજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આમંત્રિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

 લખમશી ભીમજી ચાવડા પરિવાર દ્વારા દીપોત્સવ અને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે યોજાયેલા આ સ્નેહમિલનમાં સૌએ પરસ્પર સ્નેહ, સંવાદ અને આત્મીયતાની લાગણીનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલા લોકડાયરામાં જાણીતા કલાકારો દિવાળીબેન આહીર, રાજ ગઢવી અને રમેશ જોષીએ પોતાની આગવી કલા અને સંગીતની સુરાવલીઓથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. લોકસંગીત અને લોકસંસ્કૃતિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો. અંતે સૌએ સ્નેહભોજનનો પણ લાભ લીધો હતો.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે, તેને સાકાર કરવા આપણે સૌએ સાથે મળીને સંકલ્પબદ્ધ બની સહભાગી થવું જોઈએ. આ પ્રકારનાં સ્નેહમિલનો સમાજમાં પરસ્પર સ્નેહ, એકતા અને સંવાદની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. પોતાના વતનના લોકો સાથે દિવાળીના પર્વની ખુશીઓ વહેંચવા અને સૌને એકસાથે મળવાનો અવસર મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત સરકારના રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ સંગઠનના સહ મહામંત્રીશ્રી અરુણજી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લાના વિવિધ હોદ્દેદારો, ભાજપના પદાધિકારીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, સામાજિક અગ્રણીઓ, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ, સરપંચો, સંતો-મહંતો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આત્મીયતા અને સ્નેહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.

(3:12 PM IST)