તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 15th November 2026
આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી આપણને ફરક પડતો નથી." : મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ગર્જના
ઉનામાં કોળી સેના દ્વારા નવવર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન સમારોહને સંબોધતા પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજને સંગઠિત થવા અને એકતાના તાંતણે બંધાવા માટે હાકલ કરી

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કોળી સેના દ્વારા નવવર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સેના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા દ્વારા પ્રથમવાર આયોજિત આ સ્નેહ મિલનમાં કોળી સમાજના યુવાનો, આગેવાનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સેનાના સ્થાપક પરસોત્તમભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સ્નેહ મિલન સમારોહને સંબોધતા પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજને સંગઠિત થવા અને એકતાના તાંતણે બંધાવા માટે હાકલ કરી હતી. તેમણે સમાજમાં ભાઈચારો, એકતા અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. સમાજના યુવાનો અને આગેવાનો એક મંચ પર આવે અને સામાજિક વિકાસ માટે સાથે મળીને કામ કરે તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં નિવેદન આપતાં કહ્યું હતું કે, "આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી આપણને ફરક પડતો નથી." તેમણે સિંહનું ઉદાહરણ આપીને કહ્યું કે, સિંહ જ્યારે રસ્તા પર રખડતો હોય ત્યારે તેની આસપાસ ઘણા કૂતરા હોય છે, પરંતુ સિંહ પોતાની મસ્તીમાં રહે છે. પાછળ કોણ શું બોલે છે તેની તે પરવા કરતો નથી. વધુમાં કહ્યું કે, સિંહની એક ડણકથી બધા ભાગી જાય છે. તેથી પાછળ ફરીને જોવાની કોઈ જરૂર નથી. તેમના આ નિવેદન દરમિયાન સભામાં ઉપસ્થિત લોકોમાં ચર્ચા જોવા મળી છે.
નવવર્ષના સ્નેહ મિલનના માધ્યમથી કોળી સમાજના આગેવાનો અને યુવાનોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એકતા, ભાઈચારો અને સંગઠન મજબૂત બનાવવાનો સંદેશ મુખ્ય રહ્યો હતો. જોકે, પરસોત્તમભાઈ સોલંકીના સિંહ અને કૂતરાના ઉદાહરણ સાથેના નિવેદને સમારોહમાં નવી ચર્ચા જગાવી છે. તેમના નિવેદનના રાજકીય અને સામાજિક અર્થઘટનને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
