<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વંથલીમાં મત ગણતરી કેન્‍દ્રના પાર્કિંગમાં ૨ કારમાં હથિયારો મળ્‍યાઃ ‘આપ'ના વિજેતા ઉમેદવાર, તેના પુત્ર સહિત ૯ સામે ગુનો

બંને કારના ચાલકની અટક, હુલ્લડ કરવાનો ઇરાદો હોવાનો આરોપઃ કાર શંકાસ્‍પદ હાલતમાં મળતા તપાસ કરતા ભાંડો ફૂટયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૯: વંથલીમાં મતગણતરી કેન્‍દ્રના પાર્કિંગમાં ૨ કારમાં હથિયારો મળી આવતા પોલીસે બંને કારના ચાલકની અટક કરી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર, તેના પુત્ર સહિત ૯ સામે ગુનો નોંધી વધુ તપાસ ધરી હતી.

ગઈકાલે વંથલીમાં માણાવદર રોડ પર આવેલ સરકારી કોલેજ ખાતે પોલીસ કાફલો સવારે ૧૦:૩૦ વાગ્‍યે વંથલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરીના બંદોબસ્‍તમાં હતો ત્‍યારે સરકારી કોલેજના પાર્કિંગ એરિયામાં સફેદ રંગની જીજે ૧૧ સીએલ ૯૮૯૧ નંબરની અને કાળા રંગની જીજે ૧૧ સીએચ ૯૮૯૧ નંબરની ફોર્ચ્‍યુનર કાર શંકાસ્‍પદ હાલતમાં આવતા પોલીસે બંને કાર રોકી તલાશી લેતા ગાડીઓમાંથી લોખંડના પાઈપો પ્‍લાસ્‍ટિકના હાથાવાળા પાવડાના હાથા મળી આવ્‍યા હતા. 

પોલીસે ૨ કારમાં હથિયાર સાથે ચાલક હાર્દિક ભાનુશંકરભાઈ રાવલ (રહે. ઝાંઝરડા રોડ મહેશનગર જૂનાગઢ),  ડ્રાઇવર રોહિત સોમાભાઈ વાઘેલા (રહે. ખામધ્રોળ, શ્રમજીવી નગર)ની અટક કરી હથિયારો તથા રૂપિયા ૩૦ લાખની ૨ કાર કબજે લીધી હતી.

વધુ પૂછપરછમાં બંને કારમાં તમામ ઈસમો લુશાળા ખોરાસા ઉપર આવેલ પ્રવીણભાઈ ચાવડાના દ્વારકેશ ઓઇલ મીલ ખાતેથી હથિયારો સાથે બેઠા હોવાનું સામે આવ્‍યુ હતુ.

પૂછપરછમાં રોહિત વાઘેલાએ તેની કારમાં જિલ્લા પંચાયતની કણજા બેઠકના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર પ્રવિણભાઈ ચાવડા (રહે. ખોરાસા આહિર) પુંજાભાઈ ડાંગર (રહે. ખોખરડા) અને ૨ અજાણ્‍યા શખ્‍સ બેઠા હોવાનું જણાવ્‍યું હતું. જ્‍યારે હાર્દિક રાવલે પૂછપરછમાં તેની કારમાં વનરાજ ચાવડા (રહે. ખોરાસા આહિર) તથા ૨ અજાણ્‍યા શખ્‍સ બેઠા હોવાનું જણાવતા પોલીસે પ્રવીણ ચાવડા, વનરાજ ચાવડા સહિત ૯ શખ્‍સ સામે  જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ શખ્‍સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ગેરકાયદે મંડળી બનાવી મત ગણતરી દરમિયાન હુલ્લડ કરવાની તૈયારી કરી હતી

(10:44 AM IST)