<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી વાતાવરણમાં પલ્‍ટોઃ ઝાપટા વરસતા ચિંતા

ગઇકાલે જામનગર, રાજકોટ, મેટોડા પંથકમાં કમોસમી છાંટા વરસ્‍યા બાદ આજે સવારથી અસહય ઉકળાટ યથાવત

રાજકોટ, તા. ર૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ બપોર બાદથી ફરી વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

ગઇ કાલે સાંજના સમયે રાજકોટ, જામનગર, કાલાવડ, મેટોડા પંથકમાં હળવા છાંટા વરસતા ખેડૂતો ચિંતીત બન્‍યા છે જો કે સવારથી અસહય ઉકળાટ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં કાલે એકાએક હવામાનમાં પલટો જોવા મળ્‍યો હતો, અને વાતાવરણમાં અચાનક ફેરફાર સર્જાયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને બપોર બાદ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્‍યા હતા.

મળતી માહિતી મુજબ કાલાવડ તાલુકાના જશાપર, વાવડી સહિતના કેટલાક ગ્રામ્‍ય પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વરસાદી માહોલ સર્જાતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. બદલાયેલા હવામાનના કારણે વાતાવરણમાં તાજગીનો અનુભવ થયો હતો.

જોકે બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પણ વ્‍યાપી હતી. ખાસ કરીને ખેતરમાં ઉભેલા પાક અને ખેતીના કામકાજ પર તેની અસર થવાની ભીતિ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્‍તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો ચિંતિત બન્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે.

મોટી પાનેલી

રાજકોટ કાલાવડ તરફના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અચાનક વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. ખીરસરા રણમલજી, વિરડા, વાજડી વડ, વાજડી અને મેટોડા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો.

સતત વધી રહેલા તાપમાન અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા હતા. ત્‍યારે અચાનક પડેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ આ પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટીનો ભાગ છે. આગામી દિવસોમાં પણ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે. અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં વાવણી પૂર્વેની કામગીરી કરતા ખેડૂતોને પણ ફાયદો થશે.

મેટોડા જીઆઇડીસીમાં આવેલા કારખાનાઓમાં કામ કરતા હજારો કામદારો અને ઉદ્યોગકારોને આ વરસાદથી ગરમીથી મોટી રાહત મળી છે. અચાનક પડેલા વરસાદથી રસ્‍તાઓ પર પાણી વહી નીકળ્‍યા હતા અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ-કાલાવડ રોડ પરના ખીરસરા રણમલજી, વિરડા, વાજડી વડ, વાજડી સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. મેટોડામાં પડેલા આ વરસાદને પગલે પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટી શરૂ થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ વરસાદી માહોલ જામતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.(ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

(11:05 AM IST)