News of Tuesday, 22nd September 2026
પશ્ચિમ કચ્છ એલસીબીનો સતત બીજે દિ’ ધડાકો: નખત્રાણા પંથકમાંથી રૂ. ૪૮ લાખના વિદેશી દારૂ સાથે ૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત : જુઓ વિડીયો
દારૂના કટિંગ સમયે જ વડવા કાંયા ગામ પાસે બાવળની ઝાડીઓ પાસેથી જથ્થો ઝડપાયો, પંજાબથી કચ્છ સુધી દારૂ લાવનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો, લિસ્ટેડ બુટલેગર જીતુભા મંગળસિંહ સોઢા અને અન્ય ઇસમોને ઝડપવાના બાકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ નખત્રાણા પોલીસ સ્ટેશન હદમાં વડવા કાંયા ગામ નજીક બાવળોની ઝાડીઓમાં પ્રોહિબિશન અંગે રેડ કરી રૂ. 58.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સતારખાન રમજાનખાન પઠાણ, રહે. ગાગરીયા, તા. રામસર, જી. બાડમેર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે જીતુભા મંગળસિંહ સોઢા, સફેદ સ્વીફ્ટ કારનો ચાલક/માલિક, મોટરસાઇકલ ચાલક/માલિક, શકુરખાન નવાબખાન અને અકબરખાન સહિતના ઇસમોને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.
રેડ દરમિયાન 7,740 બોટલ IMFL, કિંમત રૂ. 38,52,768, તેમજ 7,680 બીયરના ટીન, કિંમત રૂ. 9,60,000 મળી કુલ રૂ. 48,12,768નો દારૂ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત ટાટા ટ્રક GJ-18-AX-6186 (રૂ. 10 લાખ), મોટરસાઇકલ GJ-12-EG-0679 (રૂ. 20 હજાર) અને મોબાઇલ ફોન (રૂ. 5 હજાર) મળી કુલ જપ્ત મુદ્દામાલની કિંમત રૂ. 58,37,768 થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પંજાબથી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન મારફતે ગુજરાતમાં પ્રવેશ્યો હતો અને ભુજ થઈ નખત્રાણા ખાતે દારૂનો જથ્થો પહોંચાડવા આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પશ્વિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન તળે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. મકવાણા અને એલસીબી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(e), 116(b), 81, 83 અને 98(2) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
