News of Friday, 20th November 2026
કચ્છના માધાપરમાં આઠ લાખની ચોરીનો ભેદ પશ્ચિમ કચ્છ એલસીબીએ ઉકેલ્યો: બે આરોપીઓ ઝડપાયા
ગોકુલધામના બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી; સોનાના દાગીના, ઢાળ અને મોબાઇલ સહિત રૂ. ૮.૪૦ લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપીની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : માધાપરના ગોકુલધામ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી થયેલી ચોરીનો ભેદ પશ્ચિમ કચ્છ એલસીબીએ ઉકેલી લીધો છે. આ ગુનામાં સંડોવાયેલા ભુજના બે શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી સોનાના દાગીના, સોનાનો ઢાળ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૮,૪૦,૧૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ બનાવી છે. તાજેતરમાં જ માધાપરના ગોકુલધામ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી આશરે રૂ. ૧.૫૦ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસ તપાસમાં લાગી હતી. દરમિયાન પશ્ચિમ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે ભુજની રામનગરીમાં રહેતા સુનીલ કૈલાશભાઈ દેવીપૂજક અને ભુજિયા રિંગ રોડ પર રહેતા આનંદ મુકેશભાઈ દેવીપૂજકને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે બંનેની તપાસ કરતાં તેમની પાસેથી ચોરાઉ સોનાના દાગીના, સોનાનો ઢાળ તેમજ રૂ. ૫,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૪૦,૧૩૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ભુજના સર્વા મંડપ વિસ્તારમાં રહેતા મનસુખ હરેશભાઈ પરમાર (દેવીપૂજક)ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
ઝડપાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેમની સામે અગાઉ ચોરી અને મારામારી સહિતના એકથી વધુ ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આમ, પશ્ચિમ કચ્છ એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે.
આ કામગીરી પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે. બી. જાદવ, એમ. એચ. શિણોલ, એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ રાવલ, સુનીલભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી અને જીવરાજભાઈ ગઢવી સહિતની ટીમે પાર પાડી હતી.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
