News of Sunday, 5th July 2026
મોરબીની નાલંદા સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ હેક કરી કારખાનેદારની પત્નીના નામે બ્લેકમેઇલિંગ : ૧૦ લાખની ખંડણી માંગી ભડાકા કરવાની ધમકી
સાયબર માફિયાઓએ ઓટીપી મેળવી મોબાઈલ હેક કર્યો અને સગા-સંબંધીઓ પાસેથી ૩૦ હજાર પડાવ્યા : અન્ય ટ્યુશન ક્લાસીસ અને બ્યુટી પાર્લરના ગ્રુપ પણ હેક થતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી શહેરમાં સાયબર ક્રાઈમના ગઠિયાઓએ આતંક મચાવ્યો છે. ડિજિટલ યુગમાં સુરક્ષિત ગણાતા વોટ્સએપ ગ્રુપ પણ હવે સુરક્ષિત રહ્યા નથી, તેનો જીવતોજાગતો દાખલો મોરબીમાં સામે આવ્યો છે. અહીંની જાણીતી નાલંદા સ્કૂલનું સત્તાવાર વોટ્સએપ ગ્રુપ હેક કરીને સાયબર માફિયાઓએ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના કારખાનેદાર પરિવારને શિકાર બનાવ્યો હતો. શાતિર ગઠિયાએ કારખાનેદારની પત્નીનો મોબાઈલ હેક કરી તેમના સગા-સંબંધીઓ પાસેથી રૂપિયા ૩૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલેથી જ સંતોષ ન માનતા આરોપીએ એક પરિચિત પાસે ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી પૈસા નહીં આપે તો ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નાલંદા સ્કૂલના સંચાલકના નામે ફોન કરી ઓટીપી (OTP) મેળવ્યો:
આ ચકચારી સાયબર ફ્રોડ અંગેની વિગત એવી છે કે, મોરબીના ઘુનડા રોડ પર રહેતા અને 'બ્લ્યુઝોન સિરામિક ફેક્ટરી' ચલાવતા ભાવેશભાઈ હર્ષદભાઈ પાચોટીયાએ મોબાઈલ નંબરના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તારીખ ૨૦ જૂનથી ૨૯ જૂન દરમિયાન આરોપીઓએ નાલંદા સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ હેક કરી લીધું હતું. ત્યારબાદ ફરિયાદીના પત્ની શિલ્પાબેનને ફોન કર્યો હતો અને પોતે નાલંદા સ્કૂલના સંચાલક બોલે છે તેમ કહી વિશ્વાસમાં લઈ ઓટીપી મેળવી લીધો હતો. આ ઓટીપી આપતાની સાથે જ શિલ્પાબેનનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો.
સગા-સંબંધીઓ પાસેથી ૩૦ હજાર પડાવ્યા, પરિચિત પાસે ૧૦ લાખની ખંડણી માંગી:
શિલ્પાબેનનો ફોન હેક કર્યા બાદ સાયબર માફિયાએ તેમના જ વોટ્સએપ પરથી ફરિયાદી ભાવેશભાઈના સાળા તેમજ સાઢુભાઈને તાકીદના મેસેજ મોકલીને રૂપિયા ૩૦ હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ આ શાતિર ગુનેગારે શિલ્પાબેનના ફોનનો દુરુપયોગ કરીને તેમના પરિચિત સાહેદ વિશાલભાઈ લક્ષ્મણભાઈ ભોરણીયાને રાત્રિના સમયે ફોન જોડ્યો હતો. ફોન પર ગઠિયાએ વિશાલભાઈ પાસે રૂપિયા ૧૦ લાખની મોટી ખંડણી માંગી હતી અને જો આ રકમ આપવામાં વિલંબ થશે કે નહી અપાય, તો ભડાકા કરી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.
બ્યુટી પાર્લર અને ટ્યુશન ક્લાસના ગ્રુપ પણ હેક, સાયબર પોલીસ એક્શનમાં:
પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો મુજબ, આ ગેંગે માત્ર નાલંદા સ્કૂલ જ નહીં પરંતુ મોરબી શહેરની અન્ય સ્કૂલો, જાણીતા ટ્યુશન ક્લાસીસ અને બ્યુટી પાર્લરોના વોટ્સએપ ગ્રુપ પણ હેક કરી લીધા છે. આ ગ્રુપો હેક કરીને સાયબર માફિયાઓ અલગ-અલગ લોકો પાસેથી ફીના નામે ઓનલાઈન નાણાં પડાવવાનો મોટા પાયે પ્રયાસ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ભયાનક રેકેટનો પર્દાફાશ કરવા માટે સાયબર ક્રાઈમ પોલીસે સત્તાવાર ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આંતરરાજ્ય કે સ્થાનિક સાયબર ગુનેગારોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
