તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 24th April 2026
કેશોદમાં ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગથી કોને ફાયદો , કોને નુકસાન?: મતદારોના મન અકળ
અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર રહેતી પ્રવર્તમાન ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નામના ત્રીજા પરિબળે પણ સ્પર્ધામાં ભાગીદારી નોંધાવતા : જાણકારો કહે છે કે, સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં સામાન્ય રીતે મતદારોના મનમાં રાજકીય પક્ષ કરતાં પણ ચૂંટણી લડતી વ્યક્તિ (ઉમેદવાર)નું મહત્વ વધુ હોય છે ત્યારે હાર જીતનો આધાર ‘‘ઉમેદવાર કોણ અને કેવો છે'' તેના પર રહે છે !

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ર૪: કેશોદ ધારાસભા મતવિસ્તારમાં આગામી તારીખ ૨૬ ને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. જેમાં સ્થાનિક નગરપાલિકા ના ૯ વોર્ડ ની ૩૫ બેઠકો પર થી ૯૨, કેશોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠક પરથી ૫૮ , તથા કેશોદ મતવિસ્તાર સાથે સંબંધ ધરાવતી જિલ્લા પંચાયતની ( અગતરાય, અજાબ, બાલાગામ અને મેસવાણ મળી ) ૪ બેઠક પરથી ૧૩ મળી કુલ ૧૬૩ ઉમેદવાર ચૂંટણી લડી રહેલ છે.
આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે સિધી ટક્કર છે. આમ કેશોદ મતવિસ્તારમાં ત્રિપાંખિયો જંગ જામેલ છે. સ્થાનિક નગરપાલિકાની વાત કરીએ તો બિન હરીફ થયેલ એક બેઠક ભાજપને ફાળે જતા બાકી રહેલ ૩૫ બેઠક માટે ભાજપ માંથી ૩૫, કોંગ્રેસમાંથી ૩૩ અને આમ આદમી પાર્ટીમાંથી ૨૪ મળી ૯ વોર્ડ મા કુલ ૯૨ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે. પ્રવર્તમાન ચૂંટણી જંગ ના મેદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ મુખ્યત્વે ત્રણ રાજકીય પાર્ટી સિવાય અન્ય એક પણ પ્રાદેશિક કે રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ ઉમેદવારની હાજરી નથી.
નગર પાલિકાની ગત ચૂંટણીમાં કેટલીક અપવાદરૂપ બેઠકો બાદ કરતા મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિધી ટક્કર રહેલ હતી. પ્રવર્તમાન ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ પણ ૨૪ બેઠકો પરથી ઝંપલાવેલ છે ત્યારે ત્રિપાંખીયા જંગ વચ્ચે કોને ફાયદો થશે , કોને નુકસાની થશે ?એ પ્રશ્ન ચૂંટણી રસિકો માટે ચર્ચાનો વિષય બનેલ છે.
પ્રવર્તમાન ચૂંટણી મા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં મોટાભાગના ‘‘નવા અને ફ્રેશ ચહેરા'' ને તક આપી ચૂંટણી જંગ ના મેદાનમાં ઉતારેલ છે. આ અંગે જાણકારો નું માનવું છે કે , સામાન્ય રીતે સ્થાનિક ચૂંટણીમાં પક્ષ કરતા પણ વ્યક્તિ (ઉમેદવાર) નું મહત્વ અથવા પ્રભાવ વિશેષ હોય છે ! આ ચૂંટણી એક મર્યાદિત વિસ્તાર ( વોર્ડ ) પુરતી જ સીમિત હોય છે અને મોટાભાગે ઉમેદવારો જે તે વિસ્તાર કે વોર્ડ ના હોય છે ત્યારે જે તે વિસ્તારના લોકો ઉમેદવારોથી પરિચિત હોય છે. નળ કનેક્શન, પાણી, લાઈટ, ગટર, જન્મ મરણ ના દાખલા, લગ્ન નોંધણી, આવક અંગેના દાખલા સહિત વિવિધ પ્રકારની કામગીરી નગરપાલિકા હસ્તક ના હોય છે લોકોએ નગરપાલિકાનું કામ વારંવાર પડતું હોય અને આ માટે જે તે વિસ્તારના સત્તાવાર પ્રતિનિધિ પાલિકા સદસ્ય)ની મદદ ની જરૂર પડતી હોય ત્યારે કયારે સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં લોકો જાણીતા ઉમેદવાર ની પસંદગી કરે તે સ્વાભાવિક છે.
ત્રણેય પક્ષો એ લગભગ મોટાભાગના નવા અને ફ્રેશ ચહેરા ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સૌ પ્રથમ વખત ચૂંટણી લડતા આ ઉમેદવારો રાજકીય રીતે નવા કે ફ્રેશ ચહેરા ચોક્કસ હોઈ શકે, પરંતુ તેઓ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિમાં કેટલા સક્રિય છે અથવા તો લોક ચાહના કેવી ધરાવે છે, એ અગત્યનું બની જાય છે.
સ્થાનિક પાલિકાની ચૂંટણી મા વોર્ડ નંબર ત્રણમાં ૮, વોર્ડ નંબર આઠ મા ૭ તથા વોર્ડ નંબર નવ મા ૯ સિવાયના તમામ વોર્ડ મા ૧૨ -૧૨ ઉમેદવારોની સંખ્યા છે. પ્રત્યેક વોર્ડ મા થી કુલ ૪ ઉમેદવાર ચૂંટાય છે. જે તે વોર્ડ ના ઉમેદવારોની કુલ સંખ્યા માંથી વધુમાં વધુ કોઈ પણ ચાર પસંદગી ના ઉમેદવારને મતદાર મત આપી શકે છે.જોકે આ સ્થિતિ વચ્ચે રાજકીય ક્ષેત્ર પગરવ કરવા સામાજિક કે સેવાકીય પ્રવળત્તિ ના નામે દેખાડો કરતા ‘‘તકવાદીઓ''થી આકર્ષાઈ જઇ મતદારોએ પોતાનો મત વેડફી ન નાખવા અને આ અંગે જાહેર હિત ને ધ્યાને લઈ સાવચેત રહેવા જાણકારો સલાહ આપી રહ્યા છે.
કુલ ૯ વોર્ડ સાથે ૩૬ બેઠક ધરાવતીસ્થાનિક પાલિકાની ચૂંટણીમાં એક બેઠક બિન હરીફ થતા બાકી રહેલ ૩૫ બેઠક માટે ની ચૂંટણી યોજાનાર છે. જેમાં વોર્ડ નંબર આઠમા ૩ ઉમેદવારો આ સિવાયના તમામ વોર્ડ માંથી ભાજપની ચાર ચાર ઉમેદવારો પેનલ ટુ પેનલ ચૂંટણી લડી રહેલ છે, જ્યારે વોર્ડ નંબર ત્રણ મા ૩ અને વોર્ડ નંબર આઠમા ૨ ઉપરાંત બાકીના તમામ વોર્ડ માં કોંગ્રેસના ચાર ચાર ઉમેદવારો પેનલ ટુ પેનલ ચૂંટણી લડી રહેલ છે. આ ઉપરાંત વોર્ડ નંબર ત્રણમાં આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ન હોય જેને બાદ કરતા વોર્ડ નંબર છ મા ૧,વોર્ડ નંબર આઠ માં ૨ તથા વોર્ડ નંબર નવ માં ૧ ઉપરાંત બાકીના તમામ વોર્ડ માં આમ આદમી પાર્ટીના ચાર ચાર ઉમેદવારોની પેનલ ચૂંટણી લડી રહેલ છે. કેટલીક અપવાદરૂપ બેઠકો બાદ કરતા ભાજપ તમામ કુલ નવે વોર્ડ મા , કોંગ્રેસ કુલ સાત વોર્ડ મા તથા આમ આદમી પાર્ટી કુલ પાંચ વોર્ડ મા પેનલ ટુ પેનલ ચૂંટણી લડી રહેલ છે.
ભાજપ, કોંગ્રેસ ની ટક્કર વચ્ચે પ્રવર્તમાન ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નામના ત્રીજા પરિબળે પણ સ્પર્ધામાં ભાગીદારી નોંધાવતા સર્જાયેલ ત્રિપાંખિયા જંગ થી કોને ફાયદો અને કોને નુકસાન થશે એ અંગે રાજકીય પંડિતો ગણિત માંડી રહેલ છે. જોકે મતદારોના મન અકળ જણાઈ રહ્યા છે ત્યારે કોને ફાયદો અને કોને નુકસાન ? એ અંગેના પ્રશ્નોના જવાબ માટે આગામી તારીખ ૨૮ ને મંગળવારના રોજ જાહેર થનાર ચૂંટણી પરિણામો સુધી રાહ જોવી જ પડશે.....!
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
