News of Wednesday, 15th July 2026
પોરબંદરની પંજાબ નેશનલ બેન્કમાં ધમકીભર્યા પત્ર કોણ મુકી ગયું?: સીસીટીવી ફુટેજના આધારે તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૫: પંજાબ નેશનલ બેન્કમાં પાકિસ્તાન ઝિંદાબાદ તેમજ અપમાનજનક શબ્દો સાથે ધમકીભર્યા પત્ર મળતા ચકચારી જાગી હતી. આ પત્ર કોણ મુકી ગયું? તે અંગે પોલીસ દ્વારા બેન્કમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજના કેમેરાના ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
એમજી રોડ ઉપર પંજાબ નેશનલ બેંકના શર્ટર નીચે પાકિસ્તાન જિંદાબાદ લખેલો પત્ર કોઈ નાખી જતાં પોલીસે તેનો કબજો લીધો હતો અને તપાસ શરૂ કરી છે. પંજાબ નેશનલ બેંક ખોલતા સમયે એક વિવાદાસ્પદ પત્ર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બેંકના કર્મચારીઓએ જ્યારે બેંક ખોલી ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ શટરની નીચેથી પત્ર નાખ્યો હોવાનું સામે આવ્યું હતું.
બેંક મેનેજમેન્ટે પત્ર વાંચતા તેમાં રાજકીય નેતાઓ અંગે અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ તેમજ પાકિસ્તાન ઝિંદાબાદ જેવા શબ્દો લખાયેલા હોવાનું જણાયું હતું. આ અંગે બેંક મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક કમલાબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
આ બેંક દ્વારા આ સમગ્ર મામલે શહેરી ડીવાયએસપી ઋતુ રાબાને પત્ર આપીને યોગ્ય તપાસની માગણી કરવામાં આવી છે. પોલીસે બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ કબજે કરીને શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે પત્રમાં રહેલા લખાણ, હસ્તાક્ષર અને કાગળ સહિતના પુરાવાઓનું પરીક્ષણ શરૂ કર્યું છે. બેંક અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
