<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ચોમાસાની વિદાય બાદ શિયાળાનુ આગમન ઢુકડુઃ સૌરાષ્ટ્ર-કચ્‍છમાં ગાઢ ઝાકળ વર્ષા

વહેલી સવારે ધુમ્‍મસના કારણે વિઝિબિલિટી ઘટીઃ વાહન ચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવી પડીઃ ભેજનું પ્રમાણ વધ્‍યું: બપોરે ધોમધખતો તાપ

ગોંડલઃ ગોંડલ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી જે તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી. ગોંડલ)

રાજકોટ તા.૬: ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધા બાદ હવે ધીમે ધીમે શિયાળાના આગમનના એંધાણ વર્તાવા લાગ્‍યા છે. આજે વહેલી સવારથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્‍છ પંથકમાં ગાઢ ઝાકળ વર્ષા જોવા મળી હતી.

રાજકોટ શહેર, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તેમજ જામનગર, જૂનાગઢ, ભાવનગર અને કચ્‍છના અનેક વિસ્‍તારોમાં સવારે ૬ થી ૯ વાગ્‍યા સુધી ધુમ્‍મસભર્યું વાતાવરણ રહ્યું હતું. ઝાકળના કારણે વિઝિબિલિટી ૫૦ થી ૧૦૦ મીટર સુધી ઘટી જતા વાહન વ્‍યવહાર પર સીધી અસર પડી હતી.

હાઈવે પર વાહન ચાલકોએ સાવચેતીના ભાગરૂપે દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. ખાસ કરીને રાજકોટ-ગોંડલ રાજકોટ-અમદાવાદ, રાજકોટ-જામનગર અને રાજકોટ-મોરબી હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ચોમાસા બાદ હવામાં ભેજનું પ્રમાણ સર્વત્ર વધી ગયું છે. સવાર અને સાંજના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જ્‍યારે બપોરના સમયે ગરમી યથાવત્‌ રહે છે. આ બેવડી ઋતુના કારણે લોકોએ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્‍છમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્‍યતા છે, જે શિયાળાની શરૂઆતનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

ગોંડલ

ગોંડલઃ ગોંડલ જવા આજે વહેલી સવારે ઝાકળવર્ષા થતા વાહન ચાલકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો  હતો. અને હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો ચલાવવા પડયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ વિગત જોઇએ તો લઘુતમ તાપમાં ૨૩.૨ મહતમ૩૫ ડિગ્રી, ભેજ ૮૧ ટકા અને પવનની ઝડપ ૬.૧ કિ.મી. રહી હતી.

(10:43 AM IST)