News of Friday, 23rd October 2026
કચ્છના ચાર તાલુકાઓમાં સખી મંડળની બહેનો માટે મહિલા જાગૃતિ કાર્યક્રમો
સરકારી યોજનાઓ, કાયદાકીય અધિકારો અને આર્થિક સ્વાવલંબન અંગે ગ્રામ્ય મહિલાઓને માર્ગદર્શન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સેલ અંતર્ગત ભુજ, નખત્રાણા, મુન્દ્રા અને અંજાર તાલુકામાં સખી મંડળની બહેનો માટે મહિલા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. મમુઆરા, રામપર, સાયરા, ગેલડા અને વીડી ગામે યોજાયેલા કાર્યક્રમોમાં મહિલાઓને વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય અને પુનઃલગ્ન યોજના તેમજ ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે માહિતી આપવામાં આવી હતી. DHEW ટીમ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના હેઠળ અરજી પ્રક્રિયા, લોન, સબસિડી અને જરૂરી દસ્તાવેજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી બહેનોને આત્મનિર્ભર બનવા માટે સરકારી સહાયનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત 181 મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની સેવાઓ અંગે પણ મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમોનું આયોજન DHEW, PBSC અને OSCની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
