News of Friday, 11th September 2026
વિશ્વપ્રસિદ્ધ ‘કચ્છ રણોત્સવ’માં પ્રવાસીઓનું ઘોડાપૂર: વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦.૪૧ લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત
હસ્તકલા- સખી મંડળોની આવકમાં ૭૩.૩૦%નો વધારો: સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૪૫% અને ક્રાફ્ટ સ્ટોલ મુલાકાતીઓમાં ૭૭.૯૬%નો ઉછાળો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે સતત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના કચ્છ રણોત્સવ દરમિયાન ૧૦.૪૧ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં ૧૦.૩૯ લાખથી વધુ સ્થાનિક તેમજ ૨,૧૭૮ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામીતે વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫થી શરૂ થયેલો રણોત્સવ આજે ચાર મહિનાના વિશ્વના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળખાય છે. રણોત્સવથી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને રોજગારી તથા આર્થિક આત્મનિર્ભરતાની નવી તકો મળી છે.
રણોત્સવ દરમિયાન ક્રાફ્ટ સ્ટોલ અને સખી શક્તિ સ્ટોલની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ૪,૧૨,૪૨૩ નોંધાઈ હતી, જે ગત વર્ષની સરખામણીએ ૭૭.૯૬%નો વધારો છે. જ્યારે ક્રાફ્ટ સ્ટોલની આવક રૂ. ૬.૯૯ કરોડથી વધીને રૂ. ૧૨.૧૧ કરોડ થઈ છે, એટલે કે ૭૩.૩૦%નો વધારો નોંધાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૫૮,૬૭૯, થીમ પેવેલિયનમાં ૧,૩૫,૩૬૬, ફન ઝોનમાં ૧૯,૮૧૨, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ૧,૦૮,૩૧૫ અને ફૂડ સ્ટોલ પર ૨,૩૧,૭૮૬ પ્રવાસીઓએ હાજરી આપી હતી.
યુએનડબ્લ્યુટીઓ દ્વારા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર ધોરડો ખાતે પર્યાવરણ જતન માટે ટેન્ટ સિટી પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવામાં આવ્યું છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી હોપ ઓન-હોપ ઓફ બસ સેવા શરૂ કરાઈ છે. સાથે જ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
