News of Tuesday, 10th November 2026
દિવાળીની રાત્રે યંગ ઇન્ડિયા ગ્રુપનું અનોખું શ્રમદાન : મોરબીમાં ક્રાંતિવીરો અને મહાપુરુષોની પ્રતિમાઓને આપી નવી ચમક.
ઘર-આંગણાની સાથે દેશના મહાન સપૂતોના સ્મારકોની સંભાળ લેવાનો અનોખો સંદેશ પાઠવ્યો, ભગતસિંહથી બાબાસાહેબ સુધીની પ્રતિમાઓની સફાઈ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દિવાળીના પર્વમાં લોકો પોતાના ઘર અને દુકાનને સ્વચ્છ કરી રોશનીથી શણગારે છે, પરંતુ જાહેર સંપત્તિ અને મહાનુભાવોના સ્મારકોની જાળવણી તરફ ભાગ્યે જ ધ્યાન જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપે તહેવારની ઉજવણીને સમાજસેવા અને રાષ્ટ્રપ્રેમ સાથે જોડતી અનોખી પહેલ કરી છે. દિવાળીની રાત્રે જ્યારે શહેરના લોકો ઉત્સવ માણી રહ્યા હતા, ત્યારે ગ્રુપના સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ક્રાંતિવીરો અને મહાન રાષ્ટ્રપુરુષોનીપ્રતિમાઓની સફાઈ માટે શ્રમદાન કર્યું હતું. ધૂળ અને ગંદકીથી ઝાંખી પડેલી પ્રતિમાઓને સ્વચ્છ કરીને તેમણે જાહેર સ્મારકોની જાળવણી એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને સાફ કરી તેમની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ બનાવ્યો હતો. દેશની સ્વતંત્રતા અને રાષ્ટ્રનિર્માણ માટે જીવન સમર્પિત કરનારા મહાપુરુષોની સ્મૃતિને સ્વચ્છ અને સન્માનજનક રાખવાનો આ પ્રયાસ વિશેષ રહ્યો હતો. આ અભિયાન થકી સંદેશ આપવામાં આવ્યો કે પોતાના નિવાસસ્થાનની સાથે શહેરના ઐતિહાસિક વારસાની જાળવણી પણ જરૂરી છે.
ગ્રુપના માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દિવાળીની સફાઈ માત્ર ચાર દીવાલો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. આપણે જ્યાં રહીએ છીએ તે સમગ્ર શહેરને પોતાના ઘરનો હિસ્સો માનવો જોઈએ. જાહેર સ્થળો અને મહાનુભાવોની પ્રતિમાઓની દેખભાળ માત્ર સરકારી વિભાગોની જવાબદારી છે તેવી માનસિકતા બદલવાની જરૂર છે. આ ધરતી અને તેનો વારસો આપણા સૌનો છે. મહાનુભાવોની પ્રતિમાઓ માત્ર પથ્થર કે ધાતુની આકૃતિઓ નથી, પરંતુ તેમની પાછળ દેશ માટેનું બલિદાન અને ઉચ્ચ આદર્શો જોડાયેલા છે. નવી પેઢી આ સ્મારકો જોઈને પ્રેરણા મેળવે તે આ પ્રયાસનો મુખ્ય આશય છે.
યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીના નાગરિકોને સંદેશ આપ્યો છે કે મહાનુભાવોને માત્ર જયંતી કે પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરવાથી સાચી શ્રદ્ધાંજલિ પૂર્ણ થતી નથી, તેમના વિચારોને જીવનમાં અપનાવવા અને તેમના વારસાની સંભાળ રાખવી પણ એટલી જ આવશ્યક છે. અંતમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને ડૉ. દેવેનભાઈ રબારી દ્વારા સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે ‘જય હિન્દ’નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
