News of Saturday, 5th September 2026
ભાવનગરમાં શંકાસ્પદ કેફી પીણું પીધા બાદ યુવાનનું સારવાર દરમિયાન મોત
સ્કૂલ રીક્ષા ચલાવતા ભાવેશ સિહોર નવનાથ દર્શન કરી પરત ફર્યા:છાતીમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ:તેમણે પત્નીને કેફી પીણું પીધું હોવાનું જણાવ્યું હતું:અચાનક મોતથી પરિવાર શોકમાં

ભાવનગરમાં દારુકાંડ બાદ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શંકાસ્પદ કેફી પીણું પીધા બાદ એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હોવાની માહિતી સામે આવી છે. મૃતક યુવાનની ઓળખ ભાવેશ ધીરુભાઈ વિસાણી તરીકે થઈ છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.
મળતી માહિતી મુજબ ભાવેશ વિસાણી સ્કૂલ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સિહોર ખાતે નવનાથના દર્શન કરી પરત ફર્યા હતા. ઘરે પરત આવ્યા બાદ તેમની અચાનક તબિયત બગડી હતી. જેથી પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ હતી.
સિહોરથી પરત ફર્યા બાદ ભાવેશ વિસાણીને છાતીમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ થઈ હતી. આ દરમિયાન તેમણે પત્નીને કેફી પીણું પીધું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સરકારી હોસ્પિટલમાં ભાવેશ વિસાણીને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી. જોકે સારવાર દરમિયાન વહેલી સવારે તેમનું મોત થયું. યુવાનનું અચાનક મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે.
યુવાનના મોત બાદ હવે શંકાસ્પદ કેફી પીણાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેફી પીણું ખરેખર મોતનું કારણ બન્યું છે કે અન્ય કોઈ કારણસર યુવાનનું મોત થયું તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
