<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિરંગો લહેરાવનાર ૨૯ વર્ષીય એથ્લીટ પરિવારનું પેટ ભરવા ચલાવે છે કેબ પણ: વીડિયો વાયરલ થતાં મુખ્યમંત્રી હેમંત સોરેને તાત્કાલિક સહાયનો આપ્યો આદેશ

દેશ માટે ૪ ગોલ્ડ જીતનાર ચેમ્પિયન શાકભાજી વેચવા મજબૂર: રાંચીના થ્રોબોલ ખેલાડી અમરદીપની વાયરલ વાર્તાએ સિસ્ટમ સામે ઉભા કર્યા સવાલો!

રાંચી | તા.૦૩: ફિલ્મ 'પાન સિંહ તોમર'નો એ દ્રશ્ય યાદ છે જ્યાં એક દેશી રમતવીર પોતાના દેશ માટે જીતેલા મેડલ હાથમાં લઈને પોતાની વેદના રજૂ કરે છે? કંઈક આવી જ કરુણ અને વાસ્તવિક પરિસ્થિતિ ઝારખંડના ૨૯ વર્ષીય આંતરરાષ્ટ્રીય થ્રોબોલ ખેલાડી અમરદીપ કુમાર સાથે સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં અમરદીપ રાંચીના એક ચોક પર ગ્રાહકોને શાકભાજી તોલીને આપતો દેખાય છે. દુકાનની પાછળની દીવાલ પર દેશ માટે જીતેલા સોનાના મેડલ લટકેલા છે, જે આપણી ખેલ સિસ્ટમની વરવી વાસ્તવિકતા છતી કરે છે.

૨૦૧૩થી થ્રોબોલની કારકિર્દી શરૂ કરનાર અમરદીપે કોઈ પણ આધુનિક સુવિધાઓ વગર પોતાના બળે દેશનું નામ રોશન કર્યું છે. તેણે ૨૦૧૫માં જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે ૨૦૧૭ની ભારત-નેપાળ ચેમ્પિયનશિપ, અને ૨૦૧૯ તથા ૨૦૨૬ની સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપમાં દેશ માટે કુલ ૪ આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. પરંતુ, ગોલ્ડ મેડલની આ ચમક પાછળ એક મોટો આર્થિક સંઘર્ષ છુપાયેલો હતો.

અમરદીપના માતા-પિતા પણ શાકભાજી વેચીને જ પરિવાર ચલાવે છે. તેના પિતાના જણાવ્યા મુજબ, પુત્રને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મોકલવા માટે પરિવારે વારંવાર દેવું કરવું પડતું હતું. દેશ માટે ગોલ્ડ જીતવા છતાં તેને કોઈ સ્થાયી સરકારી સહાય કે નોકરી મળી ન હતી, જેના કારણે પરિવારનું પેટ ભરવા માટે તેને શાકભાજી વેચવાની સાથે સાથે પાર્ટ-ટાઇમ કેબ પણ ચલાવવી પડે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ ભારે જનઆક્રોશ જોવા મળ્યો હતો, જેના પગલે ઝારખંડ સરકાર સફાળી જાગી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આ બાબતની ગંભીર નોંધ લેતા રમતગમત વિભાગને તાત્કાલિક અમરદીપ કુમારની સ્થિતિની તપાસ કરવા અને તેને યોગ્ય આર્થિક સહાય તથા સરકારી મદદ પૂરી પાડવાના કડક નિર્દેશ આપ્યા છે.

(3:57 PM IST)